18 સપ્ટે, 2014

જ્યાં ન પહોંચે એસ.ટી., ત્યાં પહોંચે એસ.જે.

ગુજરાતમાં અનેક ગામડાંઓ એવા છે જ્યાં હજી સુધી એસ.ટી.ની સુવિધા પહોંચી શકી નથી. આવું જ એક ગામ છે વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં આવેલું બોરપાડા ગામ. ધરમપુરથી લગભગ પચાસ કિલોમીટર દૂર નાર નદીને કાંઠે અને સહ્યાદ્રિની પર્વતમાળાઓના ખોળામાં વસેલું બોરપાડા નાનું પરંતુ અત્યંત સુંદર અને રમણીય છે. સુંદરતાની દ્રષ્ટિએ આ સમગ્ર વિસ્તારને ગુજરાતનું કાશ્મીર  અને વરસાદનું પ્રમાણ ધ્યાનમાં લઈએ તો ગુજરાતનું ચેરાપૂંજી  ગણાવવામાં જરાપણ અતિશયોક્તિ ન ગણાય.  


બે ચાર દિવસ અહી રહેવાનું હોય તો શાંત અને નીરવ વાતાવરણમાં  આસપાસમાં વેરાયેલા અદભૂત અને અનન્ય સૌંદર્યને નીરખતા જ રહેવાનું મન થાય પરંતુ જો એથી વધારે દિવસ અહીં રહેવાનું થાય તો એજ સૌંદર્યનો નશો બહુ ઝડપથી ઓસરી જાય કારણ, આ આખો વિસ્તાર મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. મોબાઈલનું નેટવર્ક માંડમાંડ ઝડપાય. અનિયમિત વિજળીને કારણે ટેલિવિઝન અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ લગભગ અપ્રાપ્ય. ચોમાસામાં ભારે વરસાદ આવતો હોવા છતાં, ઉનાળો શરૂ થતાથતાંમાં તો પીવાના પાણીની બૂમો પડવા માંડે. શિક્ષણ અને આરોગ્યની વાઈબ્રન્ટ ગુજરાતને ચોપડે રૂપેરી અક્ષરે નોંધાયેલી સુવિધાઓ વાસ્તવિકતાથી તો ક્યાંયે જોજનો દૂર છે. સરકારી શાળા છે અને શિક્ષકો પણ નીમાયેલા છે પરંતુ આ શિક્ષકો અહીં હાજર રહે એ દિવસે મોટું આશ્ચર્ય સર્જાય છે કારણ અહીં ન આવવા માટે ભારે વરસાદ, વાહન વ્યવહારની અસુવિધા જેવા સેંકડો કારણો એમની પાસે હાજર છે. લોકોની આર્થિક પરિસ્થિતિ અતિ નબળી અને પછાત છે. 

આવા દુર્ગમ અને દુષ્કર વિસ્તારમાં ઇસુસંઘીઓએ શિક્ષણની ધૂણી ધખાવી છે. સરકારી શાળાને ઝાંખું પાડી દે એવું સુંદર મજાનું પાકું અને સુવિધાવાળું છાત્રાલય છે. પાણીની પૂરતી સુવિધા અને વિજળીનો અભાવ ન નડે એ માટે સોલાર લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત, બાળકોને  શિક્ષણમાં ટેકો મળી રહે એ માટે ખાસ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સોનામાં સુગંધ ભળે એમ અહીં "લેન્ગવેજ રિસોર્સ સેંટર'ની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં પ્રોજેકટર જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક થી ચાર ધોરણનાં એકસો ને ચાળીસ બાળકોને અંગ્રેજીનું પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. 

આ સંસ્થાના સ્થાપક આદરણીય ફા.થોમાસ કોલાડીને મેં આશ્ચર્યથી પ્રશ્ન પૂછ્યો કે કયું પરિબળ તમને આવા દુર્ગમ અને દુષ્કર  વિસ્તારમાં નિસ્વાર્થભાવે કાર્યરત રહેવા માટે પ્રેરણા આપી રહ્યું છે ત્યારે એમણે જે જવાબ આપ્યો એ હૈયા સોંસરવો ઉતરી ગયો; "માનવતાનો સાદ. આ વિસ્તારનાં લોકો પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે એટલે ઓછામાં ઓછું શિક્ષણની પાયાની સુવિધા પૂરી પાડીને  એમનો એ અભાવ કેટલેક અંશે દૂર કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ."

નોંધ લેવાય કે ન લેવાય આવા સેંકડો ઇસુસંઘીઓ માનવતાનો સાદ સાંભળીને શાંતિ, ન્યાય અને સમાનતા સ્થાપવા માટે સતત કાર્યરત છે અને રહેશે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...