25 સપ્ટે, 2014

આ અલીરાજપુર છે.

લગભગ પાંચ વર્ષ પહેલાંની વાત. બુધવારની સવારે સાડાદસ વાગ્યે હું છોટાઉદેપુર પહોંચ્યો ત્યારે મારા સહકાર્યકર લાયરાબેન મારી રાહ જોતા ઉભા હતા. મધ્યપ્રદેશમાં આવેલા અલીરાજપુરમાં હું મારો કાર્યભાર સંભાળુ એ પહેલા સ્ટાફના અન્ય સભ્યો અને ત્યાંના વાતાવરણથી પરિચિત કરાવવા માટે લાયરાબેન મને સાથ આપવાના હતા. ખાસ્સી કલાકેક રાહ જોવડાવ્યા પછી બસ આવી ને એની પાછળ પાછળ પોતડી ને પાઘડી પહેરેલા આદિવાસીઓનું ટોળું હવામાંથી જમીન પર ત્રાટકતા તીડના ટોળાની પેઠે અચાનક હૂડૂડૂડૂ કરતું આવી પહોંચ્યું. ધક્કામુક્કી અને ધમાસાણ મચી ગયું. કેટલાક બારીઓમાંથી તો વળી કેટલાક ડ્રાઈવરની કેબીનમાંથી અંદર ઘૂસી ગયા. હું તો મોઢું વકાસીને એમની સામું તાકી રહ્યો પણ મારા સહકાર્યકર ધક્કામુક્કીમાંથી પણ જગ્યા કરીને અંદર પહોંચી ગયા ને માંડમાંડ છેવાડાની બે સીટ્સ પર કબજો મેળવી લીધો.

નિરાંતે હું અંદર પ્રવેશ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઇને અવાચક થઇ ગયો. માણસો તો હકડેઠઠ હતા જ ને એમની સાથેસાથે મરઘાં ને બકરાંઓ પણ હતા. માણસો, પક્ષીઓ ને પ્રાણીઓનાં શરીરની ચોક્કસ ગંધની મિશ્રણનું પ્રમાણ બહારથી આવતી ચોખ્ખી હવા કરતાં ક્યાંયે વધારે હતું. મારી જગ્યા પર પહોંચ્યો ત્યાંસુધીમાં તો એક ચોથી માદક ગંધે મારા શ્વસનતંત્રનો કબજો લઇ લીધો. સાચું કહું તો એ ગંધ મને ગમતી હતી. એ ગંધ હતી મહુડાના દારૂની. હા, ઘણાં બધા પીધેલા હતા ને કેટલાક વળી બોટલમાં સાથે લઈને પણ આવ્યા હતા.

ગુલામી પિકચરમાં જોવા મળેલી ખટારા જેવી ખખડધજ બસ અડધા એક કલાક પછી આંચકા સાથે માનવ મહેરામણને લઈને અલીરાજપુર જવા નીકળી ત્યારે માંડમાંડ મારા જીવમાં જીવ આવ્યો. વીસ પચીસ કિલોમીટર પછી ગુજરાતની સરહદે આવેલું રંગપુર ગામ વટાવ્યું ને મધ્યપ્રદેશ એકદમ નજીક છે એનાં એંધાણ દેખાવા માંડ્યાં. ઉબડખાબડ રસ્તાની શરૂઆત થઇ ચુકી હતી. લીલાંછમ વૃક્ષો અને ખેતરો હવે ધીમેધીમે અદ્રશ્ય થવા માંડ્યા હતા ને એની જગ્યાએ ખેડ્યા વિનાની કોરીધાકોડ જમીન નજરે પડતી હતી.

અલીરાજપુર નજીક આવતાં જ લાંબા લાંબા તાડના પુષ્કળ ઝાડ જોવા મળ્યા. શહેરની ભાગોળે પ્રવેશ્યા પછી આઝાદી પહેલાના ભારતમાં પ્રવેશી રહ્યા હોય એવો નખશિખ અનુભવ ને વાતાવરણ જોવા મળ્યાં. સાંકડા રસ્તા અને જૂની બાંધણીના મકાનો ઠેર ઠેર જોવા મળ્યા. દુકાનની આગળ મહુડા, અનાજ અને કઠોળના ઢગલા જોવા મળતા હતા. જીપ અને ટ્રેક્ટર જેવા વાહનોમાં આદિવાસી સ્ત્રીપુરુષો મુસાફરી કરી રહ્યા હતા ને એમની સાથે મરઘાં ને બકરાંઓ તો હોય જ. પુરુષો પાઘડી અને પોતડી તો વળી કેટલાક ચડ્ડીધારીઓ પણ હતા. આંચકો લાગે એવી વાત એ હતી કે ઘણાંના હાથમાં તીરકામઠાં હતા તો વળી એકલદોકલ ભડવીર ખભે બંદૂક ભેરવીને મૂછો આમળતો આમળતો વટ પાડતો પણ જોવા મળી જતો હતો. સ્ત્રીઓ કબ્જો, ચણીયો ને માથે દુપટ્ટા જેવું વસ્ત્ર ધારણ કરેલી જોવા મળી. બસમથકે પહોંચ્યા પછી વળી પાછા આદિવાસીઓના ટોળેટોળાં જોવા મળ્યા. સ્ત્રીઓ અને પુરુષો બંને આજે બનીઠનીને બજારમાં ફરતા હતા. એક જ રંગનાં એકસરખા વસ્ત્રો પહેરીને ઘૂમી રહેલા ચોક્કસ જૂથનાં યુવાન અને યુવતીઓ જોઇને મને આશ્ચર્ય થયું એટલે મારા સહકાર્યકરને મેં પૂછ્યું; "આ શું છે?"

"આ અલીરાજપુર છે ને આજે બુધવાર એટલે હાટ બજારનો દિવસ છે. " એમણે જવાબ આપ્યો

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...