26 ઑક્ટો, 2014

હાવજ ગાંગર્યો ને હાંજા ગગડ્યા.

સાસણ ગીરની બગલમાં આવેલું ચિત્રોડ ગીર નામનું સુંદર અને રળિયામણું ગામ. રાતના લગભગ નવેક વાગ્યે વાળુ કરીને મિત્રનો દીકરો દોલત અને હું બેય જણા ડેલાની બહાર ઓટલા પર મોંમાં માવો ચગળતા ચગળતા વાતો કરતા હતા. અચાનક દોલતની આંખો ચકળવકળ થવા માંડી, કાન સરવા થયા ને આશ્ચર્યથી મોંઢુ વેંત જેટલું પહોળું થઇ ગયું;" ભાઈ, હાવજ ગાંગર્યો, હાંભળ્યું તમે?" "હાવજ કદી ગાંગરે ખરો! ગાંગરવું એટલે બરાડવું. ગાય, ભેંસ અને ઊંટને ગાંગરતા ઘણી વાર સાંભળ્યા છે. પરંતુ, સાવજ (સિંહ) તો ઘૂરકાટ કરે કે પછી ત્રાડ નાંખે." ભાષાપ્રેમને લીધે હું આ નવા શબ્દોની દુનિયામાં ખોવાયો હતો એટલામાં ફરીવાર સિંહની ત્રાડ સંભળાઈ ને વાસ્તવિકતાનો મને પણ અનુભવ થયો. એક નહિ પણ બેચાર સિંહોની વારાફરતી ત્રાડો સાંભળીને મારા તો હાંજા ગગડી ગયા ને રૂવાંટા ઊભા થઇ ગયા. ગામથી માત્ર એક કે દોઢ કિલોમીટર દૂર પાદરમાં ત્રણ ચાર સિંહ અને સિંહણ ધામા નાંખીને બેઠા હોય એવું સ્પષ્ટ લાગતું હતું.

"હાવજ ઝાઝા દૂર નથી. હાલો, ન્યાં જોવા જાઈએ." દોલતે રોમાંચિત થઈને પ્રસ્તાવ મૂક્યો. 
વાતાવરણમાં ફૂલગુલાબી ઠંડી વર્તાતી હોવા છતાં, દોલતનો પ્રસ્તાવ સાંભળીને મને તો પરસેવો વળી ગયો કારણ, અમાસનો આગલો દિવસ હતો ને ચારે બાજુ ઘનઘોર અંધારું છવાયેલું હતું. આવા અંધારામાં સામી છાતીએ સિંહને જોવા જવામાં સારપ અને ડહાપણ તો નહોતા જ. આમ છતાં, ના પાડવામાં અહમ ઘવાતો હતો એટલે શૂરવીર હોવાનો દેખાવ કરીને દોલતને મેં હા પાડી દીધી.

અંધારાની પછેડી ઓઢીને અમે બેય નરબંકાઓ ઘરમાં કોઈને જણાવ્યા વિના જંગલ ભણી ઝડપથી ચાલી નીકળ્યા. જંગલ જેમ જેમ નજીક આવતું ગયું એમ એમ સિંહોની ત્રાડો વધારે તીવ્રતાથી સંભળાવા માંડી ને મારી પરિસ્થિતિ કફોડી બનવા માંડી. અડધો કિલોમીટર ચાલ્યા પછી પાકો રસ્તો પૂરો થયો ને જગલનો કાચો રસ્તો શરૂ થયો. બેટરીના ઝાંખા પ્રકાશમાં અમે આગળ વધી રહ્યા હતા. મહેમાનને સિંહના દર્શન કરાવવાની તક મળશે એ વિચારમાં ને વિચારમાં ઉત્સાહિત દોલતની ઝડપ વધી રહી હતી ને ભય અને બીકના માર્યા મારી ઝડપ ઘટી રહી હતી. આવી અંધારી રાતે કોઈપણ જાતના હથિયાર હાથમાં લીધા વિના સિંહને સામી છાતીએ મળવા જવાનું દોઢ ડહાપણ દાખવવા બદલ મને પસ્તાવો થઇ રહ્યો હતો. 

પાછા વળવા માટેનું હું કોઈક ત્રાગું શોધી રહ્યો હતો ને એટલામાં જ કાચા રસ્તા પર પ્રકાશનો શેરડો ફરી વળ્યો. થોડી જ વારમાં ત્રણ વ્યક્તિઓ મોટરસાઈકલ લઈને અમારી લગોલગ આવી પહોંચી. "ફરતા ગાળામાં લગભગ ચારથી પાંચ કિલોમીટર અમે ફરી આવ્યા, પણ ક્યાંયે હાવજ ભાળ્યો નહિ. લાગે છે કે હાવજું નદીની ઓલીપાર મારણ લઈને બેઠા છે." ગામની જ વ્યક્તિઓએ હતોત્સાહ થઈને દોલતને સમાચાર આપ્યા. હવે આગળ વધવામાં કોઈ સાર નહોતો.

એમની આ વાત સાંભળીને મારા દિલમાં ટાઢક ફરી વળી ને પાછા ફરતી વેળાએ ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ અને અનુભવ પણ થવા માંડ્યો.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...