27 ઑક્ટો, 2014

કરકરી 'કાછલી'

સાંજે સાડા પાંચ વાગ્યે અમે સાસણની બગલમાં આવેલા ચિત્રોડ ગીર નામના સુંદર અને રળિયામણા ગામે મિત્ર દેવેનભાઈને ત્યાં પહોંચ્યા. નાહીધોઈને વાળુ કરીને ઢોલિયા પર બેઠા બેઠા વાતોના તડકા મારી રહ્યા હતા. સાંજનું ભારે ભોજન પેટમાં પહોંચ્યું પણ નહોતું ને દેવેનભાઈએ પ્રેમથી પત્નીને આદેશ આપ્યો;" ભાઈ છ વર્ષ પછી આપણે ત્યાં આવ્યા છે ને સાથે બહેન અને મુનાને પણ લઈને આવ્યા છે એટલે ભોજનપાણીમાં કોઈ જાતની કમી ન રહેવી જોઈએ. રોજ સવારે  શિરામણમાં શક્ય હોય તો રોટલા સાથે તાજું દહીં એમને આપો અને હા, ઓલી 'કાછલી' શેકવાનું ભૂલતા નહિ હોં. રોટલા ને દહીં તો એમને શહેરમાં મળી જાશે પણ 'કાછલી' ફરી ક્યારેય જોવા નહિ મળે." શિરામણમાં બાજરીના રોટલા અને તાજા દહીંની વાત સાંભળીને મારા મોંમાં તો પાણી આવી ગયું ને સાથે સાથે 'ઓલી કાછલી' વળી કયા પદાર્થનું નામ હશે એ જાણવાની બરોબર ઉત્કંઠા પણ જાગી ઉઠી. 

સિંહની ગગન ગજાવતી ને ધરા ધ્રૂજાવતી ડણક સાંભળતા સાંભળતા ભય અને રોમાંચથી અમે માંડ માંડ રાત ટૂંકી કરી. સવારે ઉઠ્યા ત્યારે, શિરામણ તૈયાર હતું. ઝટપટ દાતણપાણી પતાવીને અમે ત્રણેય પલાઠી વાળીને નાસ્તો કરવા બેસી ગયા. હજી તો બાજરીના ગરમાગરમ રોટલાનું એક ડબકું તાજા દહીંમાં ભેળવીને મોંમાં મૂક્યું જ હતું ને ગરમાગરમ 'કાછલી' પણ આવી ગઈ. દેખાવમાં કાકડીના કુળનું કોઈક શાકભાજી બે કટકા કરીને સૂકવીને મૂક્યું હોય એમ લાગતું હતું. "હવે, એમ ટીકીટીકીને જોયા વિના એકાદ કટકો ખાઈ જુઓ તો ખબર પડે." દેવેનભાઈએ મારા નિરીક્ષણમાં ભંગ પાડ્યો. "વાહ! શું કરકરો અને અદભૂત સ્વાદ છે!" કાછલીનો એક કટકો મોંમાં મૂકતાવેંત એનો સ્વાદ મને દાઢે વળગ્યો. "પણ, આ છે શું? ક્યાં મળે છે ને કેવી રીતે બનાવો છો એ જરા ફોડ પાડીને કહો તો ખરા." મારી ઉત્કંઠાનો અંત આવી રહ્યો હતો. 

"અમે એને 'કાછલી' નામે ઓળખીએ છીએ. ચોમાસામાં જંગલમાં વાડને વેલે એ જોવા મળે. દેખાવમાં ગોળ હોય અને સ્વાદમાં કાકડી જેવું લાગે. પાકી જાય એ પહેલાં અમે એને તોડી લઈએ અને એના બે કટકા કરીને ચપટી મીઠું ભરીને તડકે નાંખી દઈએ. તાપમાં બરોબર તપીને સૂકાઈ જાય એટલે એને બરણીમાં ભરી લેવામાં આવે. પછી જયારે ઈચ્છા થાય ત્યારે આછા તેલમાં સાંતળી લઈને રોટલા સાથે ખાઈએ." દેવેનભાઈએ આખી પ્રક્રિયા ટૂંકમાં સમજાવી દીધી.

"વાહ, ભોજનમાં જો કરકરી 'કાછલી' મળી જાય તો પછી પાપડ અને અથાણાંની જરૂર જ ના પડે." મેં 'કાછલી'ના વખાણ કર્યા.

"ના હોં, સહેલાઈથી ઉપલબ્ધિ, સાદી રીત અને અદભૂત સ્વાદનો વિચાર કરીએ તો એની સરખામણી પાપડ, અથાણાં સાથે પણ ના કરી શકાય." મારા શ્રીમતિની આ વાત સાથે સહમત ન થવાતું હોય તો ચિત્રોડ ગીરની મુલાકાત લઈને 'કાછલી'નો આસ્વાદ માણવો જ રહ્યો.    

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...