11 નવે, 2016

વણકર વિશ્રામ વાલજી શો રૂમ.

જેટલા સુંદર, સ્વચ્છ અને વિશાળ રસ્તાઓ હતા એટલા જ સુંદર, સ્વચ્છ અને વિશાળ ઘરના આંગણાઓ પણ દેખાતા હતા.

ભૂજથી પાછા વળતા માંડ આઠ કિલોમીટર દૂર મુખ્ય રસ્તાથી થોડે અંદર આવેલા કલાધામ ભુજોડી અમે પહોંચ્યા ને ત્યાંની સુંદરતા અને સ્વચ્છતાથી અમે અંજાઈ ગયા. ગામની ભાગોળે આવેલા લીમડા નીચે ગાડી પાર્ક કરીને અમે ચાલવાનું પસંદ કર્યું. બે ચાર ઘર વટાવ્યા પછી અમે એક ડેલા નજીક પહોંચ્યા ત્યાં ભીંત ઉપર લખેલું ‘વણકર વિશ્રામ વાલજી’ નામ વાંચીને આનંદ થયો. ડેલાના ખુલ્લા બારણામાંથી ડોકિયું કર્યું તો અમને લાગ્યું કે અમે યોગ્ય જગ્યાએ આવી પહોંચ્યા છીએ.

બરોબર જમણી બાજુએ નાનકડી ગમાણ હતી અને બાજુમાં નીચે લીંપણ કરેલી તથા ઉપર પરાળ ઢાંકીને બનાવેલી સુંદર જગ્યા હતી. બાજુમાં ગુલમહોરના ઝાડ નીચે એક યુવાન સુત્તરની લટોને ગરમ પાણીમાં ડુબાડીને પછી તાર ઉપર સૂકવી રહ્યો હતો. સામેની બાજુએ બરોબર વચ્ચોવચ્ચ કચ્છની ઓળખ સમી હાથવણાટની સુંદર અને આકર્ષક શાલ ટીંગાડેલી હતી. એ જગ્યા હતી વણકર વિશ્રામ વાલજી શો રૂમ. શો રૂમની આજુબાજુ રહેઠાણ માટેના નળિયાંવાળા ઘર હતા.

એ.... પધારો, પધારો. હાલો, તમને અમારું વણાટકામ બતાવું. જગ્યાનું ચોપાસથી અમે નિરીક્ષણ કરી રહ્યા હતા ને અસલ કચ્છી પહેરવેશમાં હાજર એવા એક વયોવૃદ્ધ વ્યક્તિનો અમને મીઠો સાદ સંભળાયો. એ હતા વિશ્રામ બાપા – આ જગ્યાના મોભી અને માલિક. ઈ.સ. ૧૯૭૪માં હેન્ડીક્રાફ્ટસમેન એવોર્ડ દ્વારા હાથવણાટના કસબ માટે એમને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.  

વાતું કરતાં કરતાં બાપા અમને બિલકુલ પાછળ આવેલા બીજા ડેલામાં દોરી ગયા. ડેલાની અંદર આવેલા વિશાળ પ્રાંગણમાં લીમડાનો છાંયડો પ્રસરેલો હતો ને હળવે નાદે ‘ભીમ કથા’ સંભળાઈ રહી હતી. આ પ્રાંગણમાં ત્રણથી ચાર નાના નાના મકાનો હતા જેમાં બબ્બે હાથશાળ ગોઠવવામાં આવી હતી. બોબીનમાં વીંટેલા દોરા આમતેમ વિખરાયેલા હતા ને બાપાની વર્તમાન પેઢી શાલ વણવામાં વ્યસ્ત અને મશગૂલ હતી. આવા નયનરમ્ય નૈસર્ગિક અને આધ્યાત્મિક વાતાવરણમાં બોબીનમાં વીંટાયેલા સુત્તરના તાંતણાઓ હાથ વણાટના કચ્છી કલા અને કસબથી ‘કચ્છી શાલ’નું અદભૂત રૂપ ધારણ ન કરે તો જ નવાઈની વાત ગણાય ને!

નરી આંખે કચ્છી કસબને નિહાળીને અમે ધન્ય થયા ને વળી પાછા શો રૂમમાં આવ્યા ત્યારે બાપાના વચેટ દીકરા શામજીભાઈ અમારું સ્વાગત કરવા માટે તૈયાર હતા. આધુનિક શો રૂમ જેની આગળ ઝાંખો પડે એવો એ ગારમાટીથી સુશોભિત અનોખો ‘ગામઠી શો રૂમ’ હતો. જેમાં એક એકથી ચઢિયાતી ‘કચ્છી શાલ’ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી જેની કિંમત અમૂલ્ય હતી.

શામજીભાઈએ અદકેરા વહાલથી એકેએક શાલને હળવે હાથે ઉઠાવીને અમને બતાવવાનું શરૂ કર્યું; આ જુઓ, અસલ કચ્છી સાદી સફેદ શાલ. સગા સ્નેહીને ભેટમાં આપી હોય ને તો રંગ રહી જાય. આ જુઓ આભલા ભરેલી બાંધણી અને આ જુઓ વણાટ અને ભરતના સમન્વયસમી અદભૂત શાલ. હવે તો આવી બેનમૂન શાલ બનતી પણ નથી.

તમે કયા ‘બ્રાંડ નેમ’થી આ શાલનું વેચાણ કરો છો? ખાસ્સી ઉત્સુકતાથી અમે એમને પ્રશ્ન કર્યો.

વણકર વિશ્રામ વાલજી. નમ્રતાથી એમણે ટૂંકો ને ટચ જવાબ આપ્યો.

રૂપમાં ને દેખાવમાં એક એકથી અનોખી અને ચઢિયાતી શાલ જોઇને અમે ગોટે ચઢી જ ગયા હતા ને એમાં વળી આ ‘બ્રાંડ નેમ’ સાંભળીને અમે વણકર વિશ્રામ વાલજી શો રૂમમાં અનેરા આનંદ અને આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા.

ધાર્યા કરતાં વધારે સમય વહી ગયો હતો પણ હવે ત્યાંથી પાછા વળવાનું મન નહોતું થતું.












































ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...