19 માર્ચ, 2017

ભીંડાબૂડ પાણીમાં બનાવેલા ભીંડા.

“શું વાત છે. આજે તો ભીંડાના શાકમાં કંઇક જાદુ થયો હોય એમ લાગે છે ને!” શુક્રવાર બપોરના જમવામાં આખા ભરેલા ભીંડાનું શાક અને રોટલી હતા. શ્રીમતીજીને હાથે બનેલા ચટાકેદાર ભીંડા ખાતા ખાતા મેં એમનામાં રહેલી રસોઈ સૂઝના સહજ વખાણ શરૂ કર્યા.

“હા હોં! આજે તો ભીંડા બૂડી જાય એટલું પાણી નાંખીને ભીંડાનું ખાસ શાક બનાવ્યું છે.”

“શું? હેં હેં ....પાણીમાં બનાવેલા ભીંડા.......?ન બને. કોઈ કાળે એમ ન બને.” શ્રીમતિજીની વાત સાંભળીને આશ્ચર્યથી મારી આંખો પહોળી થઇ ગઈ ને એ બીજી કોઈ વાત શરૂ કરે એ પહેલા તો મારું મન કિશોરાવસ્થામાં જઈ પહોંચ્યું હતું. 

“જો બેટા, ભીંડાને કાપતા પહેલા એને પાણીથી બરોબર ધોઈ નાંખજે અને પછી એકેએક ભીંડાને છૂટો પાડીને સ્વચ્છ કાપડમાં મૂકીને અડધો કલાક સૂકાવા દે જે. ત્યાર પછી દરેક ભીંડાને કાળજીથી લૂછીને પછી જ એને કાપજે. જો ભીંડામાં સહેજ પણ પાણી રહી જશે તો શાક નહિ બને.” કિશોરાવસ્થામાં જયારે હું રસોઈ બનાવતા શીખતો હતો ત્યારે જ મમ્મીએ મને ભીંડાનું શાક બનાવતી વેળા કઈ વાતની ખાસ કાળજી રાખવી એની શિખામણ ગાંઠે બાંધી આપી હતી. 

વર્ષો પહેલાની એ વાત આજે મારા મનમાં ઘુમરાઈ રહી હતી ને “આજે મેં પાણીમાં ભીંડા બનાવ્યા છે.”એમ કહીને શ્રીમતિજી મારા જ્ઞાન અને અનુભવને અધૂરું ઠેરવી રહ્યા હતા. 

“એટલું જ નહિ. માત્ર એક જ ચમચી તેલ નાંખીને ભીંડાના શાકનો વઘાર કર્યો છે.” ગૂઢ જ્ઞાન ધરાવતા સાધકની અદાથી શ્રીમતિજી પૂરા આત્મવિશ્વાસથી બોલી રહ્યા હતા ત્યારે એમના અનુયાયીની પેઠે હું એમના શબ્દોને આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો પણ મનમાં તો વિચારોનું જબરું ઘમાસાણ મચી રહ્યું હતું. 

ચાલો ત્યારે, ભીંડાબૂડ પાણીમાં ભીંડાનું શાક બનાવી શકાય કે નહિ એ જાણવું હોય તો જરા ગુગલ મહારાજને પૂછવાની થોડી તસ્દી લઇ લેજો અને એમ કર્યા પછી પણ જો જવાબ ન મળે તો અમારા શ્રીમતીજીનું વૃતાંત સાંભળવા માટે અમને ૯૭૨૬૮ ૬૩૩૭૭ ઉપર ફોન કરજો. 

(ખાસ નોંધ: ગળું લગભગ બૂડી જાય એ અવસ્થાને ગળાબૂડ પાણી કહેવાય તો પછી ભીંડા જેમાં આખેઆખા બૂડી જાય એને ભીંડાબૂડ પાણી કેમ ન કહેવાય!!!!!)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...