15 જુલાઈ, 2017

જળ એ જ જીવન છે.


પાલઘર જિલ્લામાં આવેલા બાલકાપરા ગામમાં આજે 'તારપો' વાગી રહ્યો છે. 'તારપો' એ આદિવાસીઓનું લોકવાદ્ય છે ને પરંપરાગત રીતે ગામ કે સમાજના દરેક સારા પ્રસંગોએ 'તારપો' વગાડવામાં આવે છે. 

આજે પણ સારો પ્રસંગ છે. ગામ આખાની કાયાપલટ થઇ એ ઘટના નાનીસુની તો ન જ ગણાય ને! વળી, આ ઘટનામાં જે વ્યક્તિ નિમિત્ત બની એ વ્યક્તિને ખોબલે ખોબલે પોંખીને એમનું ઋણ અદા કરવાનો અવસર ક્યારેય ન ચૂકવો જોઈએ એમ માનીને ગામના આબાલવૃદ્ધ આ પ્રસંગને રંગેચંગે ઉજવવા માટે એકઠા થયા છે. 

બરોબર એજ સમયે, તારપાનો નાદ સાંભળીને ‘બોસ્કો સામાજિક વિકાસ સંસ્થા’ના આદરણીય ફા. એનાકલીટ પોતે જયારે પહેલી વાર આ ગામમાં પ્રવેશ્યા એ દિવસે થયેલી ચણભણને વાગોળી રહ્યા છે. "આ માણસ ખ્રિસ્તી છે ને એમાં વળી ધર્મગુરૂ છે. આપણા ગામમાં પગપેસારો કરે એ પહેલા જ એને રોકવો જોઈએ નહિતર આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ ને આપણું અસ્તિત્વ જોખમમાં આવી પડશે." કેટલાક લોકો ફા. એનાકલીટના ગામમાં આવવાના મૂળ હેતુને જાણ્યા સમજ્યા વિના જ જોરશોરથી વિરોધના નગારાં વગાડી રહ્યા હતા.

વિરોધના વંટોળથી વિચલિત થયા વિના ફા. એનાકલીટ અને એમની ટીમે ગામનું વિહંગાવલોકન કરીને અને ગામલોકોને મળીને ગામની સમસ્યાઓ વિષે આધારભૂત જાણકારી મેળવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. સઘન અભ્યાસને અંતે તારણ એ નીકળ્યું કે ગામની બધી જ સમસ્યાઓનું મૂળ તો પાણીની અછત છે. પૂરતો વરસાદ હોવા છતાં ડુંગરાળ વિસ્તાર અને પાણીના સંગ્રહની કોઈ કાયમી વ્યવસ્થા ન હોવાને કારણે ઉનાળામાં પાણીની એવી તંગી સર્જાય છે કે ગામની બહેનોએ પીવાનું પાણી મેળવવા માટે પાંચ પાંચ કિલોમીટર ચાલવું પડે છે. પીવાનું પાણી જ જો ન મળતું હોય તો એવા સંજોગોમાં ખેતી માટેના પાણીની તો વાત જ શું કરવી? સ્વાભાવિક છે કે ચોમાસાના ચાર મહિના સિવાય ગામનો યુવા વર્ગ રોજગારીની શોધમાં સ્થળાંતર કરે છે, જેની સીધી અસર ગામની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બાબતો પર પડી રહી છે.

એજ ક્ષણે ફા. એનાક્લીટે પાણી માટે વલખાં મારતાં ગ્રામજનોને પાણીની તંગીમાંથી કાયમ માટે મુક્ત કરવા માટે બીડું ઝડપ્યું ને આમ જળક્રાંતિના મંડાણ થયા. સૌથી પહેલા તો ગામ લોકોને "વોટરશેડ પ્રોજેક્ટ દ્વારા" આ સમસ્યાનો જડમૂળથી ઉકેલ કેવી રીતે આવે એનાથી માહિતગાત કર્યા અને પ્રોજેક્ટમાં એમને પણ ભાગીદાર બનાવ્યા. ત્યારબાદ પ્રોજેક્ટ માટે જરૂરી ભંડોળ અને ટેક્નિકલ વિગતો મેળવીને ગામલોકોના સહકારથી કામ શરૂ પણ કરી દીધું. સાત સાત વર્ષો સતત કામ કર્યા પછી ગામના પાદરમાં આવેલી નદી ઉપર સાત ચેક ડેમ બનાવ્યા અને ગામમાં વીસેક જેટલા કુવા બનાવ્યા.

સાત સાત વર્ષોની આવી આકરી મહેનત શું પાણીમાં જાય ખરી! ગામમાં પાણીની રેલમછેલ થયા પછી ગામ લોકો 'તારપો' વગાડીને વાજતે ગાજતે ફા. એનાકલીટ અને એમના સાથીઓનું ઉચિત સન્માન કરે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું છે ખરું!

(માહિતી સૌજન્ય: આદરણીય ફા. આઇઝેક અને ફા. મયંક એસ.ડી.બી.)






ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...