12 એપ્રિલ, 2017

ઊઠ કોલીન, હવે ઊભો થા.

૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૫ની એ ગોઝારી સાંજે ભયંકર વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો. પવનનું જોર જેમ જેમ વધતું જતું હતું અને આકાશમાં જેમ જેમ વિજળીના કડાકા વધતા જતા હતા એમ એમ સામરખા ગામના યુવાન કોલીનના હૃદયના ધબકારા પણ વધતા જતા હતા.

ક્ષણનોય વિલંબ કર્યા વિના કોલીન જયારે સામરખાથી આણંદ ખાતે લીમડાવાળા દવાખાનાના પટાંગણમાં પહોંચ્યા ત્યારે સામેનું દૃશ્ય જોતાવેંત એમનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ.

ખૂબ મોટા મૂડીરોકાણ અને ત્રણ દિવસની સખત મહેનતને અંતે તૈયાર થયેલો ઘુમ્મટ આકારનો શમિયાણો ધરાશાયી થઇ ચૂક્યો હતો. બારસો રૂપિયામાં મળતી ટીપોઈથી લઈને અડધા લાખ રૂપિયામાં મળતા સોફા જેવું મોંઘા મૂલનું કેટલુંક ફર્નિચર લોખંડના માળખા હેઠળ કચડાયું હતું તો કેટલુંક પાણીમાં તરબોળ થઇ ચૂક્યું હતું. 

વારસામાં મળેલા ફર્નિચરના ધંધાને વિકસાવવા માટે કોલીને ૧૨૦ બાય ૬૦ ફીટ પહોળા અને ૧૮ ફીટ ઉંચા શમિયાણામાં “ગામમાંથી શહેરમાં આવવાનું” અભૂતપૂર્વ શમણું પણ રોપ્યું હતું અને આજે શમિયાણાની સાથે સાથે એ શમણું પણ વેરવિખેર થઇ ચૂક્યું હતું. કોલીનની આંખે અંધારે આવવા મંડ્યા અને આગળ શું કરવું એની સૂઝ નહોતી પડતી. 

ઈશ્વર પર અપાર આસ્થા ધરાવનાર કોલીને છેવટે રાત આખી પ્રાર્થનામાં વિતાવી ને સવાર થતાંવેંત પ્રાર્થનામાં જાણે “ઊઠ કોલીન, હવે ઉભો થા. ચિંતા ખંખેરીને નવેસરથી શરૂઆત કર.” એવો પ્રભુનો સાદ ના સંભળાયો હોય એમ એજ દિવસે શમિયાણાને યથાવત સ્થિતિમાં ઉભો કરવાનો એક ગજબનાક નિર્ણય લીધો. 

બપોરના બાર વાગ્યે કામની શરૂઆત થઇ ને સાંજના ચાર સુધીમાં તો શમિયાણો ઊભો થઇ ગયો. નજરે જોનારને ક્યારેય ખ્યાલ ન આવે કે આ એજ શમિયાણો હતો જે ગઈકાલે સાંજે જ ધરાશાયી થઇ ગયો હતો. 

આજે લગભગ દોઢેક વર્ષ પછી મજબૂત કદકાઠી અને એટલું જ મજબૂત મનોબળ ધરાવનાર કોલીન એ આર્થિક અને માનસિક આઘાતમાંથી બહાર આવી ચૂક્યા છે. એટલું જ નહિ પરંતુ, મજબૂત અને વાજબી ભાવના ફર્નિચર તરીકે “કૃપા ફર્નિચરની” આણંદ અને આજુબાજુના ગામડાઓમાં એવી તો જબરદસ્ત શાખ ઉભી થઇ છે કે કોલીન હવે ખૂબ જ નજીકના ભવિષ્યમાં “શમિયાણામાંથી શોરૂમ” શરૂ કરે તો નવાઈ નહિ.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...