23 ઑક્ટો, 2017

વીર ભામાશાનો વંશજ.

“ડેડી, હું બેટ અને બોલ સાથે લઇ લઉં.” પંદરમી તારીખે સવારે બરોબર છમાં પાંચ બાકી હતી. અમારી ગાડીમાં બધો સરસામાન ગોઠવીને હું ડીકી બંધ કરવા જતો હતો ને તથ્યનો અવાજ સંભળાયો.

“ઠીક છે. મૂકી દે. ગાડીમાં ઘણી બધી જગ્યા છે.” આમ તો અમે રાજસ્થાન ફરવા જઈ રહ્યા હતા આમ છતાં, એની લાગણીને માન આપીને મેં હા પાડી.

ઉદયપુરમાં બપોરનું ભોજન લીધા પછી કુંભલગઢ અભયારણ્યમાં આવેલા મીઠીબોર નામના નાનકડા પણ સુંદર ગામમાં પહોંચ્યા ત્યારે બપોરના ત્રણ વાગી ગયા હતા. આ ગામમાં આવેલા બે રૂમના નાનકડા રિસોર્ટમાં અમે બે દિવસ રોકાણ કરવાનું નક્કી કર્યું. રિસોર્ટની આગળ બગીચામાં રેસ્ટોરન્ટ હતું અને બીજો ભાગ ખુલ્લો હતો. આ રિસોર્ટ લગભગ ૨૦૦૦ ફૂટની ઉંચાઈ ઉપર ગાઢ વનરાજીથી ઘેરાયેલા એક ઉંચા પર્વતના ખોળામાં આવ્યો હતો અને રિસોર્ટની બરોબર પાછળ ખળખળ વહેતું ઝરણું હતું.

જગ્યા એવી સુંદર અને રમણીય હતી કે ત્યાંથી આઘાપાછા થવાનું મન જ ન થાય. સાંજ ઢળે એ પહેલાં જ તથ્યએ પોતાના શાસ્ત્રો બહાર કાઢ્યા. નસીબ જોગે, ત્યાં રિસોર્ટમાં જ કામ કરતાં બે કિશોરોનો એને સાથ મળી ગયો એટલે એને તો મજા પડી ગઈ. બે દિવસ તો ઝટપટ પૂરા થઇ ગયા પણ, એને મજા આવતી જોઇને અમે પણ અમારું રોકાણ થોડું વધારે લંબાવી દીધું. 


ચોથા દિવસે નીકળવાનું નક્કી હતું એટલે વહેલી સવારે આઠ વાગ્યાથી જ એમણે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું. બે કલાકની રમત પછી થાક લાગ્યો એટલે રમત પૂરી થઇ. માત્ર ચાર જ દિવસમાં ક્રિકેટ થકી મિત્રો બનેલા આ ત્રણેય જણને હવે છૂટા પડવાનું આકરું લાગતું હતું. 

“જો દીકરા, તારા આ બંને મિત્રો બરોબર ક્રિકેટ રમતા શીખી ગયા છે. પણ, એમની પાસે બેટ અને બોલ તો છે નહિ. આપણા ગયા પછી તેઓ શું કરશે? કદાચ, જીવનમાં ફરી વાર ક્યારેય એમને ક્રિકેટ રમવા નહિ મળે માટે એક કામ કર. તારા બેટ અને બોલ એમને ભેટમાં આપી દે.” દીકરાને મેં આકરી લાગે એવી શિખામણ આપી. 

“ચિંતા ન કર. અમે તને નવા લાવી આપીશું.” એણે હાથ તો લાંબો કર્યો પણ, હજુ મનમાં ખચકાટ હતો એટલે એને મેં સધિયારો આપ્યો. 

“આ લો દોસ્તો, આ બેટ અને આ બોલ.” બે હાથથી ભામાશાએ મહારાણા પ્રતાપને જેમ સઘળું ચરણે ધરી દીધું હતું એ જ અદા અને એજ ખુમારીથી તથ્યએ પણ હસતા ચહેરે પોતાનું સર્વસ્વ મિત્રોને અર્પણ કરી દીધું ત્યારે અમને બેયને લાગ્યું કે અમારો આ વંશ પણ દાનવીર ભામાશાની જેમ જ ઉદાર અને દિલદાર હતો. 







ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...