14 નવે, 2017

આડી ચાવી અને ઊભી ચાવી.

“અરે! આ આડી ચાવી અને ઊભી ચાવીઓ આજે કેમ સાવ ખાલી ખાલી જણાય છે.” બીજી નવેમ્બરે બપોરના ભોજન પછી રાબેતા મુજબ હું ‘ગુજરાત સમાચાર’ હાથમાં લઈને બેઠો હતો ને મારી નજર આ છાપાના છઠ્ઠા નંબરના પાન પર આવીને આશ્ચર્યથી અટકી ગઈ.

બાને નિવૃત થયાને બાર વર્ષ થયા ને આ સમય દરમિયાન આ આડી અને ઊભી ચાવીઓના ખાનાંઓ ક્યારેય ખાલી રહ્યા હોય એવું મેં ક્યારેય જોયું નથી. પણ, આજે બાર વર્ષ પછી એ ખાનાંઓ નિશ્ચેતન થઈને ખાલી પડ્યા હતા.

ઓછાબોલા અને અંતર્મુખી સ્વભાવના બા જીવનના સાત દાયકા પૂરા કર્યા પછી પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતા હતા. દુનિયાભરની પંચાતને બાજુ પર મૂકીને હંમેશાં તેઓ પોતાની નાનકડી દુનિયામાં મશગૂલ અને રમમાણ રહેતા હતા અને સ્વાશ્રયી હોવાને કારણે પોતાનું કામ હોંશે હોંશે જાતે જ કરી લેતા હતા. સવારે બરોબર પોણા છએ ઉઠીને સૌથી પહેલાં પાણીની મોટર ચાલુ કરવી એ એમનો નિત્યક્રમ. ત્યાર બાદ ચા નાસ્તો કરી લીધા પછી એ ઘરનું આંગણું વાળી ઝૂડીને ચોખ્ખું ચણાક કરી દે. એ પછી કપડાં ધોવા બેસે ને આ બધું પૂરું થયા પછી પેન હાથમાં લઈને અને ચશ્મા ચઢાવીને નિરાંતે છાપું હાથમાં લે. મુખ્ય સમાચારો ઉપર અછડતી નજર મારીને એ સીધા છઠ્ઠા નંબરના પાન ઉપર પહોંચી જાય અને ગણતરીની પળોમાં આડી અને ઊભી ચાવીઓનો તાળો મેળવી લે. જ્યાં સુધી આ તાળો ના મળે ત્યાં સુધી એમનાં જીવને ચેન ન પડે.

પણ, પહેલી નવેમ્બરની સવારે કપડાં ધોતા ધોતા જ એમને શરીરમાં અસ્વસ્થતા વર્તાવા માંડી. ઊભા થઈને બે ચાર ડગલા ચાલ્યા ને ઘરમાં પ્રવેશે એ પહેલાં જ બારણાની વચ્ચોવચ્ચ ફસડાઈ પડ્યા. શરીરનાં અંગો વંકાઈ ગયા ને ધીમે ધીમે આખું શરીર બરફની જેમ ઠંડુગાર થઇ ગયું. તાત્કાલિક એમને ફીઝીશ્યનને ત્યાં ને પછી તરત જ ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. હાર્ટ એટેકનું નિદાન થયા પછી બનતી ત્વરાએ ‘એન્જીઓગ્રાફી’ અને તરત જ ‘એન્જીઓપ્લાસ્ટી’ પણ કરવામાં આવ્યા. પરિણામરૂપે, બે દિવસ આઈસીયુ સહિત ત્રણ દિવસ એમને ઝાયડસમાં હવાફેર કરવાનો મોકો મળ્યો ને કાયમના સંભારણા તરીકે ભેટમાં બે ‘સ્ટેન્ટ’ પણ મળ્યા જે હવે જીવનભર એમની સાથે રહેવાના હતા. ચોથા દિવસે પાછા આવ્યા ત્યારે એમનાં ચહેરા પરનું નૂર પાછું આવી ગયું હતું. કામ કરવાની તો હવે મનાઈ હતી. પણ, છાપું વાંચતા એમને રોકી શકાય ખરા!

બરોબર એક અઠવાડિયું આરામ કર્યા પછી ફરીથી એમણે પેન, ચશ્મા અને છાપું હાથમાં લીધા ને સીધા જઈ પહોંચ્યા પાન નંબર છ ઉપર અને માનો કે ના માનો, માત્ર દસ જ મિનિટમાં એમણે આડી ચાવીઓ અને ઊભી ચાવીઓનો એવો તો બરોબર તાળો મેળવી લીધો કે જાણે એ શબ્દરૂપી ચાવીઓ પણ જીવંત બનીને નાચી ન ઊઠી હોય!


ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...