9 એપ્રિલ, 2018

ઓ રેવા.... ઓ રેવા....


કાચા, ઉબડખાબડ અને વાંકાચૂકા ચઢાણ ઉતરાણવાળા રસ્તા પર અથડાતા કૂટાતા અમે બાઈક લઈને અલીરાજપુરથી થોડસિંદી ગામે પહોંચ્યા ત્યારે હજી તો માંડ વીસેક કિલોમીટર કપાયા હતા અને હજી કકરાળા પહોંચતા સુધીમાં તો કમરના મણકા તૂટી જાય એવો રસ્તો પસાર કરવાનો બાકી હતો. આમ છતાં, કૂદતી ઉછળતી રમતિયાળ નર્મદાને જોવાની હોંશ એટલી બધી હતી કે અમે અમારો પ્રવાસ એજ ગતિએ આગળ ધપાવ્યો.

સરદાર સરોવરના બાહુપાશમાંથી માંડ માંડ છટકેલી નર્મદા ધસમસતી ગરૂડેશ્વર પાસે આવી પહોંચે છે ને ત્યાંથી હાંફળીફાંફળી નારેશ્વર સુધી પહોંચી જાય છે.  કબીરવડ આવતા સુધીમાં તો આજ નર્મદા પુખ્ત અને પગલ્લ્ભ બની ચૂકી હોય છે. એજ ધીરગંભીર રૂપધારિણી ધીમે ધીમે ભરૂચ નજીકના દરિયામાં અલોપ થઇ જાય છે. નર્મદાના આ બધા જ રૂપ મેં નરી આંખે જોયા છે પણ એમાં એનું રમતિયાળ સ્વરૂપ ક્યાંય જોવા મળતું નથી. ખેર, એક દિવસ એવો આવશે કે જયારે મને રેવાની બાલ્યવસ્થા અને કિશોરાવસ્થા પણ જોવા મળશે એ આશામાં હું અહીં સુધી આવી પહોંચ્યો હતો.

હાથણી અને નર્મદાનું સંગમસ્થાન એવું કકરાળા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસીઓનું આસ્થાધામ છે. વાર તહેવારે ને બાધા આખડી પૂરા થાય ત્યારે આ આદિવાસીઓ મા નર્મદાને નમન કરવાનું ક્યારેય ચૂકે નહિ. કુટુંબ કબીલા અને સગા સ્નેહીઓ સાથે તેઓ દર્શને આવે ને માને ભોગ ધરાવવા મરઘા, બકરાં અને મહુડાનો દારૂ પણ અચૂક જોડે લેતા આવે. મા નર્મદાની માનતા ક્યારેય વિફળ જાય નહિ એવી એમની અવિચળ શ્રદ્ધા ને એટલે જ માનતા પૂરી થાય કે તરત જ આ ઋણ ચૂકવવા માટે ગજા પ્રમાણે કૂકડો કે બકરાનો ભોગ ધરાવવા માટે અધીરા બને. જ્યાં સુધી માનું ઋણ ન ચૂકવાય ત્યાં સુધી એમને ચેન પડે નહિ.

લગભગ સવારના અગિયાર વાગ્યે અમે કકરાળા આવી પહોંચ્યા ને કિનારાની બિલકુલ નજીક હોવા છતાં, અમને નર્મદાના કોઈ સગડ જણાયા નહિ. ચોમાસા સિવાય ભરૂચ કે કબીરવડમાં નર્મદા નદીનો જે વિશાળ પટ જોવા મળે એવો કોઈ પટ અહીં ક્યાંય નજરે નહોતો ચઢતો. નદીની એક બાજુએ કાળમીંઢ ખડકો હતા ને બીજી બાજુ સહ્યાદ્રિની રમણીય પર્વતમાળા.

કિનારાના ખડક ઉપરથી નર્મદાને નિહાળી ત્યારે એની હાલત જોઇને કાળજું ચિરાઈ ગયું. વર્ષો પહેલાં સહ્યાદ્રિના ખોળામાં અફાટ અને અસ્ખલિતપણે આગળ વધી રહેલી નર્મદા આજે સરદાર સરોવરના આગમનને કારણે ભીંસાઈ ગયેલી લાગતી હતી. એના અસ્તિત્વના એંધાણ આપતા બંને કિનારાઓ ડુબાણમાં ખોવાઈ ગયા હતા. એની પારદર્શકતા ઓગળી ગઈ હતી અને એની ચંચળતા ભૂતકાળ બની ગઈ હતી. એનો વેગ વમળોમાં ફેરવાઈ ચૂક્યો હતો. કંઈ કેટલાય આદિવાસીઓના આશા અરમાનોને ભીસમાં લઈને કકરાળાની આ નર્મદાએ હવે નદીમાંથી સરોવરનું રૂપ ધારણ કરી લીધું હતું ને સાથે સાથે એમની શ્રદ્ધા, પરંપરા અને સંસ્કૃતિ ઉપર પાણી ફેરવી વાળ્યું હતું.

ભગ્ન હૃદયે ત્યાંથી પાછા વળ્યા ત્યારે હૃદયના ઊંડાણેથી અવાજ આવતો હતો;
 “ઓ રેવા.... ઓ રેવા.... ???"

(અલીરાજપુરના સંસ્મરણોમાંથી)

















ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...