12 માર્ચ, 2018

વૃંદાવનના ખંડણીખોર વાનરો.


મંદિરમાં જતી અને આવતી વેળાએ ભીડભાડ હોવાને કારણે સાવધ રહેજો અને બની શકે તો તમારા પર્સ, મોબાઈલ અને અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ સાથે રાખશો નહિ, નહિતર હાથથી ગુમાવવાનો વારો આવશે.

બીજી ખાસ વાત, મહેરબાની કરીને તમારા ગોગલ્સ કે નંબરવાળા ચશ્મા પણ પહેરશો નહિ. અહીંના વાનરો ક્યારે એ આંચકીને લઇ જાય એ નક્કી નહિ.

બાંકે બિહારી મંદિરના દર્શને જતી વેળાએ બસમાંથી નીચે આવીએ એ પહેલા જ અમારા ગાઈડે ઉપરની બે સૂચનાઓ અમને ખાસ ભારપૂર્વક કહી ત્યારે પહેલી સૂચના સાંભળીને અમને ખાસ આશ્ચર્ય ન થયું પણ બીજી સૂચના સાંભળીને અમે વિચારમાં ગરકાવ થઇ ગયા.

પોણા કલાક પછી દર્શન કરીને પાછા વળ્યા ત્યારે સાંભળવા મળ્યું કે અમારા જ ગ્રુપના એક ભાઈના નંબરવાળા ચશ્મા વાનરે આંચકી લીધા હતા જે કોઈ સ્થાનિક વ્યક્તિને રૂ. ૧૦૦ ચૂકવ્યા પછી વાનર પાસેથી પરત મળ્યા હતા.

આ વાત સાંભળીને વાનરો ચશ્મા આંચકી લે છે એ વાતની અમને સહુને ખાતરી થઇ ગઈ. પણ, હવે બીજા બે પ્રશ્નો મનમાં ચકરાવા લેવા માંડ્યા;

‘વાનરો શા માટે આવું કરતા હશે? શું સ્થાનિક લોકોની આમાં સંડોવણી તો નહિ હોય ને?

વેલ, ઉપરોક્ત બાબતોની ચકાસણી કરવા માટે બીજી વાર જયારે અમારું ગ્રુપ બીજા એક પ્રાચીન મંદિરની મુલાકાતે ગયું ત્યારે મેં બહાર પાનના ગલ્લા નજીક ઉભા રહીને વાનરો  ઉપર નજર રાખવાનું નક્કી કરી લીધું.

વૃદાવનની સાંકડી શેરીઓમાં દર્શનાર્થીઓની અવર જવર સતત ચાલુ જ હતી એમાંના ઘણાં આ નટખટ વાનરોની આ વિશેષ પ્રવૃત્તિ વિશે અજાણ અને બેધ્યાન હતા. થોડી વાર થઇ હશે ને બારીના છજા ઉપર બેઠેલા એક વાનરે કૂદકો માર્યો ને એક બેધ્યાન દર્શનાર્થી કંઈ સમજે કે વિચારે એ પહેલા તો ચીલઝડપે કશુંક આંચકીને બીજી છલાંગે પાછો છજા ઉપર આવીને બેસી ગયો.  

કેમેરાની આંખે મેં એ વાનરની સામે જોયું તો એના હાથમાં પેલી વ્યક્તિના ચશ્મા હતા. એ વ્યક્તિએ ચશ્મા પરત મેળવવા માટે બધી જ રીત અપનાવી જોઈ પણ એ વાનર ટસનો મસ ન થયો ને ઉલટાનું સામું ઘુરકીયા કરવા માંડ્યો.

ભાઈ, એ મહાશયને કંઇક ખાવાનું આપો તો જ તમારા ચશ્મા પાછા મળશે.એક સ્થાનિક અનુભવીએ  પેલા ભાઈને સલાહ આપી. એમની સલાહ માનીને જેવું એ ભાઈએ ‘ફ્રૂટી’નું એક પેક એ વાનરને આપ્યું કે તરત જ એણે ચશ્મા નીચે નાંખી દીધા.

આ આખી ઘટનાને નરી આંખે નિહાળ્યા પછી હવે મને આ વાનરો શા માટે ચશ્મા તફડાવતા હતા એ વાત સુપરે સમજાઈ ગઈ પણ વળી પાછી એક નવી વાત મનમાં ઘર કરી ગઈ;

‘માણસ પાસેથી આ રીતે ખંડણી ઉઘરાવવાની આવી આબાદ રીત આ વાનરો કઈ રીતે શીખ્યા હશે?

બાય ધ વે, ક્યારેક મથુરા અને વૃંદાવન જવાનું થાય તો તમારા ચશ્માને આ વાનરોથી સાચવીને રાખજો નહિતર તમારે પણ ખંડણી ચૂકવવાનો વારો આવશે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...