7 મે, 2019

લૂંબે ને ઝૂંબે લટકતી હાફૂસ.

પર્વતની ટોચ ઉપર પુરાતન કાળમાં બંધાયેલા જર્જરિત પરંતુ, જાજરમાન ‘બાણકોટ’ કિલ્લાની મુલાકાત તથા કિલ્લાની ટોચ પરથી નીચે આવેલા અરબી સમુદ્રનાં હિલોળા લેતા અફાટ જળરાશિના સવારે સાડા દસે દર્શન કર્યા પછી હવે અમે તળેટીમાં આવેલા બાણકોટ ગામ (જી. રત્નાગીરી) તરફ જઈ રહ્યા હતા.

સર્પાકાર રસ્તો અને એકદમ સીધુંસટ ઉતરાણ હોવાને કારણે અમે સાવધાનીપૂર્વક ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા ત્યારે સામેનું અકલ્પનીય દૃશ્ય જોઇને અમારા આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો.

ઢોળાવવાળા સર્પાકાર રસ્તાની બંને બાજુએ આંબાના ઘટાદાર ઝાડ હતા અને એ ઝાડની ડાળીઓ ઉપર હાફૂસ કેરીઓ લૂંબે ને ઝૂંબે લટકી રહી હતી. અમારી કાર ભલે ધીમે ગતિએ આગળ વધતી હોય પણ, થોડું જ આગળ વધતા જયારે હાફૂસનો પહેલો ફાલ લેવાની સમગ્ર પ્રક્રિયા અમને નજરો નજર નિહાળવા મળી ત્યારે લાગ્યું કે અમારું નસીબ બમણી ગતિએ આગળ વધી રહ્યું છે.

બગીચાનો યુવામાલિક ‘નોમાન’ અને એમનાં સાથીદારો અત્યારે થોડો વિરામ લઈને વડાપાઉ આરોગી રહ્યા હતા. એ સુવર્ણ તકનો લાભ લઈને એમની સાથે વાતચીત કરવાના ઈરાદાથી અમે કારને વળાંક ઉપર થોભાવીને ‘હાફૂસના બગીચા’માં આનંદ અને ઉલ્લાસભેર પ્રવેશ કરી લીધો.

“સર, અત્યારે અમે આ હાફૂસનો પહેલો ફાલ લઇ રહ્યા છીએ. આ લાંબા વાંસની ઝોળી દ્વારા આંબા પર ચઢીને કેરીને જરા સરખી આંચ ન આવે એ રીતે અમે ઉતારી લઈએ છીએ ને ત્યારપછી એને પાણીથી સ્વચ્છ કરીને એના કદ અને આકાર અનુસાર એનું ગ્રેડીંગ કરવામાં આવે છે અને એ ગ્રેડીંગને આધારે એની કિંમત નક્કી કરવામાં આવે છે.” ગુજરાતથી ઠેઠ અહીં આવેલા જોઇને નોમાને હોંશભેર અમને આખી પ્રક્રિયા ટૂંકમાં સમજાવી દીધી ને સાથે સાથે પહેલવહેલી હાફૂસની શાખને કાપીને એક આખી ડીશ અમારી સામે ધરી દીધી.

“વાહ, વાહ ! શું અનેરો ને અદભૂત સ્વાદ અને સુગંધ છે! બાય ધ વે, હાફૂસમાં એવું તો કયું ખાસ તત્વ છે કે જેને કારણે એને ‘કેરીઓનો રાજા’ કહેવામાં આવે છે? અને એમાં પણ રત્નાગીરી હાફૂસની વાત જ શું કરવી?” હાફૂસનો આસ્વાદ લેતા લેતા જ અમે અમારા મનની વાત કરી.

“સર, અહીંનું અનોખું ભેજવાળું વાતવરણ અને ઢોળાવવાળી ખડકાળ જમીનને કારણે હાફૂસનું બંધારણ જ એવું ઘડાય છે કે એના રંગ, સુગંધ અને સ્વાદનો મુકાબલો કરવો શક્ય જ નથી. તમારે ત્યાં જો માત્ર એક જ પાકેલી હાફૂસ હોય તો આખું ઘર એની સુગંધથી તરબતર થઇ જાય. એ વન ગ્રેડની એક કેરી અમારા માટે તો સોનાની લગડી જેવી મોઘેરી જણસ ગણાય, કારણ, મોટાભાગની કેરીઓ વિદેશ મોકલવામાં આવે છે.” હાફૂસની જેમ નોમાનની વાતચીત કરવાની અદા પણ આજે તો અમને મીઠી અને માધુરી લાગી રહી હતી.

એની વે, આ હાફૂસનો જયારે ડઝનદીઠ ભાવ સાંભળ્યો ત્યારે અમને તો એ પણ ખાતરી થઇ ગઈ કે શા માટે હાફૂસને કિંમતની બાબતમાં પણ ‘રાજાઓનો રાજા” ગણવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...