26 એપ્રિલ, 2019

લાખોમાં એક, ઓલીવ રીડલી.

“ડેડી, રન ફાસ્ટ. ઓલીવ રીડલીનું એક બચ્ચું દરિયા ભણી ધસી રહ્યું છે.” વહેલી સવારે સાડા છ વાગ્યે મહારાષ્ટ્રમાં રત્નાગીરી જીલ્લામાં આવેલા આંજાર્લે નામના રળિયામણા ગામના બીચ ઉપર હજી તો હું કારને પાર્ક કરું એ પહેલાં જ અધીરો દીકરો કાચબાના નવજાત બચ્ચાને જોવા માટે દોડીને અમારી પહેલાં પહોંચી ગયો હતો. 

અમે માનતા હતા કે આટલી વહેલી સવારે કાચબાના બચ્ચાને જોવા માટે કોણ નવરું હશે? પણ, જયારે અમે બીચ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં એકઠી થયેલી મેદનીને જોઈએ છક થઇ ગયા. મુઠ્ઠીમાં સમાઈ જાય એવડું એક નાનકડું બચ્ચું જીવન (દરિયો) ભણી ધીમે ધીમે ધસી રહ્યું હતું અને કુદરતની આ અજીબોગરીબ ઘટનાને આબાલવૃદ્ધ સહુ આનંદ અને અહોભાવથી માણી રહ્યા હતા. 

અમે પણ આણંદથી સાડા સાતસો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આ એક માત્ર નવજાત બચ્ચાંને નિહાળવા માટે અહીં આવ્યા હતા. કાચબાનું બચ્ચું તો માત્ર એક જ હતું. પરંતુ, એ સામાન્ય બચ્ચું નહોતું. પણ, લાખોમાં એક એવા ઓલીવ રીડલી નામની દુર્લભ પ્રજાતિના કાચબાનું બચ્ચું હતું. 

ચારે બાજુ માણસોની ભીડ હોવા છતાં, આ બચ્ચું ધીમેથી પણ ભારે હિંમત અને આત્મવિશ્વાસથી દરિયા ભણી કૂચ કરી રહ્યું હતું. કારણ, આ ક્ષણ એના માટે મહાપ્રસ્થાનની ક્ષણ હતી. દરિયો જ એના માવતર અને દરિયો જ એનું હવે પછીનું જીવન હતું. જો આજે અને અત્યારે જ આ જીવનદાતા સાથે મેળાપ ન થયો તો હવે પછીના જીવનનું કોઈ ઠેકાણું નહોતું. 

ઓલીવ રીડલી કાચબાના દર હજારમાંથી માત્ર એક જ બચ્ચું પુખ્ત વય સુધી પહોંચી શકે છે અને જો એ બચ્ચું માદા હોય તો દુનિયાના ગમે તે મહાસાગરમાં ભમતું હોય પણ ઈંડા મૂકવા તો પોતાના જન્મસ્થળે જ પાછું આવે છે. 

થોડા વર્ષો પહેલાં, આવા બચ્ચાઓની દરિયા સુધી પહોંચવાની શક્યતા ઘણી પાંખી હતી, કારણ કે, માણસ એનો સૌથી મોટો દુશ્મન હતો જે ખૂણે ખાંચરેથી આ કાચબાના ઈંડાઓને શોધીને એનું ભક્ષણ કરી જતો હતો. પણ, ભલું થાજો કેટલાક પર્યાવરણપ્રેમી વ્યક્તિઓ, સંસ્થાઓ અને સરકારનું કે જેમણે આવા ભક્ષકોને સાચી સમજણ આપીને રક્ષક બનાવ્યા ને સાથે મળીને એમને બચાવવાનો, એમને રક્ષણ આપવાનો એવો તો ભગીરથ પ્રયત્ન કર્યો કે એમનાં આ પ્રયત્નોની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી. 

આંજાર્લે, વેળાસ, કેળશી અને દરિયાને કાંઠે આવેલા અન્ય કેટલાક ગામોમાં આ નામશેષ થવા આવેલી પ્રજાતિના સંરક્ષણ માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં જયારે માદા કાચબો એક સાથે સેંકડો ઈંડા એકથી દોઢ ફૂટ ઊંડા ખાડામાં મૂકી આવે છે ત્યારે આવા ઈંડાઓને શોધીને હેચરી (રક્ષિત જગ્યા) માં મૂકવામાં આવે છે અને ૪૫ કે ૫૫ દિવસ પછી જયારે બચ્ચું બહાર આવે ત્યારે એને સંભાળપૂર્વક દરિયામાં છોડી દેવામાં આવે છે. 

આ પ્રયત્નોનું સુખદ પરિણામ એ પણ આવ્યું છે કે એક પ્રવાસન સ્થળ તરીકેની અને ખાસ કરીને “કાચબા મહોત્સવ” તરીકેની એની ખ્યાતિ દિવસે ન વધે એટલી રાતે વધવા માંડી છે. માર્ચ અને એપ્રિલ મહિનાઓ દરમિયાન આ નાનકડું ગામડું નજીકમાં આવેલા પૂના અને મુંબઈ જેવા શહેરોમાંથી આવેલા પ્રવાસીઓથી ઉભરાવા માંડ્યું ને એ ઉપરાંત, દૂરથી આવનારા અમારા જેવા ભાગ્યશાળીઓની તો કોઈ ગણતરી જ નહિ. 

થોડી જ વારમાં દરિયામાં ગરકાઈ થઇ ગયેલું ઓલીવ રીડલીનું બચ્ચું તો ભાગ્યશાળી હતું જ પણ, સાથે સાથે અમે પણ એટલા જ ભાગ્યશાળી હતા કારણ કે, એ બચ્ચાના મહાપ્રસ્થાનના સાક્ષી બનવાની મહામૂલી તક અમને સાંપડી હતી. 

(ખાસ નોંધ: આ ઘટનાના સાક્ષી બનવાનો સમય માર્ચ અને એપ્રિલ એમ માત્ર બે મહિનાઓ માટે જ છે.)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...