29 નવે, 2017

ડાબા હાથનો ખેલ.

“છાબડામાં ચાર વાટકી તાજો ઘઉંનો લોટ લો ને ધીમે ધીમે એમાં એક હાથથી પાણી મેળવવાનું શરૂ કરો ને બીજા હાથથી ધીમે ધીમે લોટને મસળવાનું અને પછી ગુંદવાનું શરૂ કરો. ઘઉંનો કરકરો લોટ હવે પાણીના સહેવાસથી ભીનો થાય ને બરોબર ગુંદાયા પછી નરમ બનતો જાય. એમાં બે ચાર ચમચી તેલનું મોણ નાંખો એટલે થોડી જ વારમાં ઘઉંના લોટનો લીસો ને સુંવાળો લોંદો તૈયાર થાય. થોડી વારમાં આથો ચઢ્યા પછી આ લોંદાને જોઈએ તો જાણે એમાંથી ગરમા ગરમ ફડફડતા ફૂલકા બહાર આવવાના ના હોય એવો જીવંત અને જાનદાર લાગે.”

વાંચવામાં સાવ સહેલી લાગતી પ્રક્રિયા હકીકતમાં સહેલી નહોતી એનું ભાન તો અમને ચીકનગુનિયાના આગમન પછી તરત જ થઇ ગયું. શ્રીમતિજીના શરીરમાં આ રોગના લક્ષણો એવા ઘર કરી ગયા કે કામ કરવામાં એમને રાહત રહે એ માટે કેટલાક કામનો બોજો સ્વેચ્છાએ અમે અમારા ખભા પર ઉઠાવી લીધો. 

જેમાં સૌથી અઘરું કામ એટલે લોટ બાંધવાનું કામ. રોજ સવારે ચા નાસ્તો પૂરો કર્યા પછી અમે લોટ ગુંદવાનું કાર્ય શરૂ કરીએ. થોડા દિવસો તો બરોબર ચાલ્યું પણ પછી જયારે જમણા હાથમાં દુઃખાવો શરૂ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે આમ ને આમ માત્ર જમણા હાથથી વાત બનવાની નથી. છેવટે અમે પણ અસરગ્રસ્ત તો ખરા જ ને! હવે શું કરવું? એમ મનોમન વિચારતા વિચારતા હતા ને ઓફિસનો મજાનો અનુભવ યાદ આવી ગયો. 

આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરતી વેળાએ ‘કીબોર્ડ’ અને ‘માઉસ’નો સૌથી વધારે ઉપયોગ થાય એમાં ‘કીબોર્ડ’ ઉપર બંને હાથનો ઉપયોગ થાય એટલે વાંધો ના આવે, પરંતુ, માઉસનો ઉપયોગ તો જમણેરી હોવાને કારણે જમણા હાથથી જ થાય. લાંબા સમય પછી જયારે જમણા હાથના એકધાર્યા ઉપયોગથી કાંડુ દુઃખવા માંડ્યું ત્યારે વિકલ્પરૂપે અમે ડાબા હાથથી ‘માઉસ’નો ઉપયોગ શરૂ કર્યો. શરૂઆતમાં આ કાર્ય અડવું અને અઘરું લાગ્યું પણ, સતત પ્રેક્ટીસને કારણે ડાબો હાથ પણ ટેવાઈ ગયો. એક અઠવાડિયું જમણો હાથ અને બીજા અઠવાડિયે ડાબા હાથનો ઉપયોગ એમ ઓફિસ વર્કમાં અમે પ્રયત્નપૂર્વક ‘રોટેશન પદ્ધતિ’ દાખલ કરી ને થોડા જ સમયમાં જમણા હાથના કાંડામાં થતો દુઃખાવો ગાયબ થઇ ગયો. 

લોટ બાંધવા (ગુંદવા)ના કાર્યમાં પણ અમે રોટેશન પદ્ધતિનો અમલ શરૂ કર્યો ને બે ચાર દિવસની ગડમથલ પછી ખ્યાલ આવ્યો કે બોસ, લોટ બાંધવો એ પણ આપણા માટે તો ડાબા હાથનો જ ખેલ છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...