5 ફેબ્રુ, 2018

આઠમનું નૈવેદ્ય.

વહેલી સવારે ઠંડીનું જોર હજી એવું ને એવું જ હતું પરંતુ, સૂર્યના આગમનને કારણે ધુમ્મસ ધીમે ધીમે વિખેરવા માંડ્યું હતું ને દિવસ ઉઘડવા માંડ્યો હતો.

એકબાજુ ખેતરમાં રાયડાના પીળાપચાક ફૂલો મંદ પવનની લહેરોમાં આમતેમ ઝૂલી રહ્યા હતા ને બીજી બાજુ આંગણામાં ગાયો અને ભેંસોના ધણ વચ્ચે મેલાઘેલા બાળકો માટીમાં રમી રહ્યા હતા. સૂર્યના મૃદુ કિરણો આ આંગણાની આરપાર થઈને મકાનની ઓસરીમાં પોતાનું સામ્રાજ્ય ધીમે ધીમે ફેલાવી રહ્યા હતા. આ મૃદુ કિરણોના હૂંફ અને ઉજાસને આવકારતું એક ભરવાડ દંપત્તિ છાશનું વલોણું કરવામાં મસ્ત હતું.

સારસ પક્ષીની શોધમાં અમે પરીએજ નજીક આવેલા ઇન્દ્રવર્ણા ગામની સીમમાં આવી પહોંચ્યા ત્યારે આંખો ઠરે એવું ઉપરનું દૃશ્ય જોઇને ત્યાં જ અટકી ગયા.

એ આવો આવો. અંદર આવો. વલોણું કરવાનું રહેવા દઈને ભાઈએ અમને વગર ઓળખાણે આવકાર દીધો ને ગાડી પાર્ક કરીને અમે અંદર પહોંચીએ ત્યાં સુધીમાં તો આંગણામાં જ અમારે માટે બે ઢોલિયા ઢાળી દીધા.  

જોતજોતામાં આજુબાજુના ઘરોમાંથી પણ એમનાં કુટુંબના ભાઈ ભત્રીજાઓ પણ આવી પહોંચ્યા એમાંથી બે જણાએ વલોણાનું કામ માથે લઇ લીધું જયારે બાકીનાઓએ અમારી સાથે વાતોનું વલોણું શરૂ કર્યું. હજી તો વાતોની માંડ શરૂઆત થઇ હતી ને ગરમા ગરમ કડક મીઠી ચા આવી પહોંચી. ચા પીધા પછી અમે દહીંમાંથી છાશ અને માખણ બનવાની પ્રકિયા નિહાળી અને ત્યાર બાદ એમની મહેમાનનવાજીથી ભારે સંતૃપ્ત થઈને આગળ વધવા માટે અમે એમની રજા માંગી.

ના ના. ઘડીક વાર બેસો. એમ કંઈ ખાલી હાથે ન જવાય! ભાઈએ અમને થોડી વાર રોકાઈ જવા માટે આગ્રહ કર્યો ને એટલામાં બહેન બોઘરણું ભરીને છાશ લઈને અમારી પાસે આવ્યા.

અમે ભાગ્યશાળી છીએ કે ગઈકાલે આઠમ હતી ને આજે અમારે ત્યાં મહેમાન આવ્યા. આઠમને દિવસે અમે માતાજીને નૈવેદ્ય ધરીએ એટલે આ પ્રસાદ તમારે માટે છે. બાકી તો અમે પણ હવે બધું દૂધ ડેરીમાં આપી દઈએ છીએ. બોઘરણામાંથી મોટી બોટલ ભરીને રગડા જેવી છાશ એ દંપત્તિએ ભાવપૂર્વક અમને ભેટમાં આપી.


ઘરે આવ્યા પછી બીજા દિવસે, ઘરના દૂધમાંથી બનાવેલી એ તાજી છાશના દરેક સબડકામાં અમને એ ભરવાડ દંપત્તિની ભાવભીની મહેમાનગતિનું સ્મરણ થઇ રહ્યું હતું.  

(તા.26/01/2018 ના રોજ પરીએજ પક્ષી અભ્યારણ્યની મુલાકાત વેળાનું સંસ્મરણ.)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...