19 જાન્યુ, 2019

કાર્મેસી એટલે ઘાટ્ટો લાલ.

“વાહ! શું આકર્ષક પેકિંગ છે. આ બોક્સમાં કોઈક મૂલ્યવાન વસ્તુ હોય એવું લાગી રહ્યું છે. કોઈને ભેટમાં આપવાનો વિચાર છે કે શું?” આજે સવારે તમે મારી ઓફિસમાં પધાર્યા છો ને મારા ટેબલ ઉપર ડેસ્કટોપની બાજુમાં પડેલા આકર્ષક બોક્સને જોઇને ખુશખુશાલ થઇ જાઓ છો.

“હા, તમારી ધારણા બિલકુલ સાચી છે. આ બોક્સમાં રહેલી મૂલ્યવાન વસ્તુ હું મારા સંગિનીને ભેટમાં આપવા માટે લાવ્યો છું. બીજી કોઈ ભેટ એમને હું આપું કે ના આપું પરંતુ, આ ભેટ હું એમને દર મહિને નિયમિત રીતે આપવાનું ક્યારેય ભૂલતો નથી.” હું પણ ખુશખુશાલ મિજાજમાં તમારા પ્રશ્નનો વિસ્તારથી જવાબ આપું છું.

“વાહ! દોસ્ત, હવેથી હું પણ મારા શ્રીમતિજી માટે આવી જ ભેટ દર મહિને અચૂક લાવતો રહીશ.” એ આકર્ષક બોક્સની અંદર શું છે એ જાણ્યા પછી તમે એક જબરદસ્ત નિર્ણયની મને જાણ કરી.

વેલ, વેલ, ઉપરોક્ત કાલ્પનિક સંવાદમાં જે આકર્ષક બોક્સની વાત કરવામાં આવી છે એમાં બીજું કંઈ નહિ પણ ‘સેનેટરી પેડ’ છે એવી તમને જાણ થાય તો તમે પણ કબૂલશો કે વાસ્તવિકતામાં આવું દૃશ્ય આપણે ત્યાં ક્યારેય જોવા ન મળે.

પણ ભાઈ, કાર્મેસીની તો વાત જ કંઈક અલગ છે ને એટલે જ કાર્મેસીના ‘સેનેટરી પેડ’ ખરીદયા હોય તો આવું બનવાની પૂરેપૂરી સંભાવના છે.

‘સેનેટરી પેડ’ એ એકવીસમી સદીનો એવો એક આવિષ્કાર છે કે જે સ્ત્રીઓના જીવનમાં અકલ્પનીય પરિવર્તન લાવવામાં નિમિત બની ગયો છે. આમ છતાં, આ પેડની ખરીદી, વપરાશ અને નિકાલ સાથે હજી પણ એવી કેટલીક બાબતો સંકળાયેલી છે જેનો જાહેરમાં ઉલ્લેખ કરતાં પણ આપણને શરમ આવે છે.

૧. જીવન જરૂરિયાતની અન્ય ચીજોની જેમ આ પેડની સહેલાઇ અને સહજતાથી ખરીદી થઇ શકતી નથી જેનો સ્ત્રીઓને ડગલે ને પગલે અનુભવ થાય છે.

૨. ખરીદી કર્યા પછી એને સાચવવાની પણ ઝંઝટ ઉભી થાય છે. આ મૂલ્યવાન વસ્તુને લોકનજરથી કેવી રીતે છુપાવવી એ કોઇપણ સ્ત્રી માટે યક્ષપ્રશ્ન બની રહે છે.

૩. આ પેડમાં રહેલા કુત્રિમ રસાયણોને કારણે ઘણી વાર ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવો અનુભવ થાય છે. ઘણી વાર એની આડઅસરો પણ જોવા મળતી હોય છે.

૪. આ પેડનો વપરાશ કર્યા પછી એનો નિકાલ ક્યારે અને કેવી રીતે કરવો એ તો જેને જોડો ડંખ્યો હોય એને જ ખબર પડે.

બાય ધ વે, આ બધા જ પ્રશ્નો અને પરિસ્થિતિનો સુપેરે સામનો કર્યા પછી તન્વી જોહરીએ એવા ‘કુદરતી સેનેટરી પેડ્સ’ બનાવવાનું નક્કી કર્યું કે જેનાથી ઉપરોક્ત બધા જ પ્રશ્નોનો સાગમટે ઉકેલ મળી જાય અને સૌથી મહત્વની વાત એ કે દરેક મહિલા પૂરા આત્મવિશ્વાસ સાથે એની ખરીદી, વપરાશ અને નિકાલ પણ કરી શકે.

પૂરતા શોધ અને સંશોધન પછી તન્વીએ પોતાના મિત્ર રિક્ષવ સાથે મળીને વર્ષ ૨૦૧૭માં “કાર્મેસી” બ્રાંડ હેઠળ કુદરતી પદાર્થો – મકાઈના સ્ટાર્ચ અને વાંસના રેસાઓમાંથી એવા જબરદસ્ત સેનેટરી પેડ્સ બનાવ્યા કે જે સ્વચ્છતા અને સલામતીના બધા જ ધારાધોરણોમાંથી સહેલાઈથી પાર ઉતરી જાય. સાથે સાથે એનું પેકિંગ પણ એવું આકર્ષક બનાવ્યું કે જોતાવેંત ગમી જાય. એ ઉપરાંત, એના વ્યવસ્થિત નિકાલ માટે ‘થીંક ડિસ્પોઝેબલ બેગ’નો પણ હેતુપૂર્વક સમાવેશ કર્યો.

કહેવાની જરૂર ખરી કે, તન્વી અને રિક્ષવની મહેનત અને રચનાત્મકતા આબાદ કામ કરી ગઈ છે. પચાસ હજારથી વધારે મહિલાઓ કાર્મેસીના સેનેટરી પેડ્સ સરખામણીમાં મોંઘા હોવા છતાં પણ નિયમિત ધોરણે ઓનલાઈન ખરીદી રહી છે.

બાય ધ વે, ‘કાર્મેસી’ એ સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ છે; ‘ઘાટ્ટો લાલ.’ જો તમને આ ‘ઘાટ્ટા લાલ’ રંગની વાતો ગમી હોય તો મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરતા રહેજો.

(માહિતી સૌજન્ય: સ્ટ્રેટેજી સકસેસ – પ્રકાશ બિયાણી, દિવ્ય ભાસ્કર અને https://mycarmesi.com)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...