26 જાન્યુ, 2019

ચુનીલાલની પ્રતિકૃતિ.

”સર, મારું નામ ચુનીલાલ છે. કંઈપણ કામ હોય તો નિઃસંકોચ જણાવજો.” બેસતા વર્ષને દિવસે જયપુરથી બપોરે ત્રણ વાગ્યે નીકળીને ઉદયપુર વહેલા પહોંચવાની લાયમાં ને લાયમાં અમે અત્યારે રાત્રિના સવા અગિયાર વાગ્યે નાથદ્વારા હાઈવે ઉપર આવેલી ગોકુળધામ હોટેલમાં ચેક ઇન કરી રહ્યા હતા ત્યારે ચુનીલાલે અમારો મોટા ભાગનો સામાન રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધો.

“ચુનીલાલ, બીજું તો કંઈ જોઈતું નથી. પણ, નહાવા માટે રૂમાલ અને પીવાનું પાણી હોય તો લાવી આપો.” રૂમમાં અછડતી નજર મારીને ચુનીલાલને મેં વિનંતી કરી.

“આ લો, સર. પીવાનું પાણી અને રૂમાલ.” થોડી જ વારમાં નીચે જઈને ઉત્સાહી ચુનીલાલ બંને વસ્તુઓ ફટાફટ લઇ આવ્યા.

બીજા દિવસે સવારે પોણા આઠ વાગ્યે ચુનીલાલ ફરી એકવાર ભજન ગણગણતા હાજર થઇ ગયા ને અમારો સામાન નીચે લઇ જવામાં મદદરૂપ બન્યા.

કારમાં સામાન ગોઠવીને અમે બાજુમાં આવેલી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવાનું નક્કી કર્યું ત્યારે ચુનીલાલ કાચના મુખ્ય દરવાજાને સાફ કરવામાં લાગી ગયા હતા.

અડધા કલાક પછી પાછા વળ્યા ત્યારે હજીપણ ભજનનો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો. કાચના દરવાજાને ચકચકિત કરીને ચુનીલાલ હવે આંગણાની સાફસફાઈમાં વળગી ગયા હતા.

“સર, આપસહુને નવા વર્ષની શુભેચ્છાઓ! દર વર્ષે આવતા રહેજો.” અમને એમ હતું કે બોણીની અપેક્ષાએ ચુનીલાલ અમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ, અમારી ધારણા ધરાર ખોટી ઠરી. અમને શુભેચ્છાઓ પાઠવીને ચુનીલાલ ભજન ગાતાં ગાતાં પોતાના કામમાં ફરી પાછા વ્યસ્ત થઇ ગયા હતા.

કાર નજીક જઈને અમે બંને પતિપત્ની તરત પાછા વળ્યા ને ચુનીલાલના હાથમાં એક કડકડતી નોટ “તમને પણ નવા વર્ષની શુભેચ્છાઓ!” કહીને સરકાવી દીધી.

“આભાર સર.” ઠેઠ ઉદયપુર સુધી કારના વિન્ડસ્ક્રીન પર નિસ્વાર્થ, પ્રામાણિક અને મહેનતુ ચુનીલાલની હાથ જોડેલી પ્રતિકૃતિ અમને સતત દેખાતી રહી.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...