26 જાન્યુ, 2019

ગરમાગરમ પુરી અને કચોરી.

“ડેડી, સામે પેલા તાવડાની નીચે જુઓ તો ખરા!” ગરમા ગરમ પુરીની હું લહેજત માણી રહ્યો હતો એ જ વેળાએ તથ્યએ મારા શર્ટનું કોલર પકડીને મને સામેનું દૃશ્ય બતાવ્યું. સામેનું દૃશ્ય જોતાવેંત અમારા ચારેયના ગળામાં પુરીઓ એ રીતે અટવાઈ ગઈ કે જાણે હમણાં જ બહાર આવી જશે.

સવારના બરોબર સાત વાગ્યે અમે ભરતપુરથી આગ્રા આવવા માટે નીકળ્યા હતા. એક એક ખાખરો ખાઈને નીકળ્યા હોવાને કારણે અત્યારે અમને કકડીને ભૂખ લાગી હતી. રસ્તામાં તથ્યની ‘ધ ગ્રેટ સાઈબેરીયન ક્રેન’ વિશેની અદભૂત વાતો સાંભળવામાં ને સાંભળવામાં અમને ક્યારે આગ્રા આવી ગયું એનું ભાન જ ના રહ્યું.

મુખ્ય રસ્તો છોડીને જેવા અમે મુખ્ય બજાર ભણી પ્રવેશવા જતા હતા કે ડાબી બાજુએ કચોરી સમોસા બનાવતી એક સાથે ચાર દુકાનો જોઈ. ગરમા ગરમ પુરી, કચોરી અને સમોસાની સુગંધથી આકર્ષાઈને અમે ત્યાં જ કારને થોભાવી દીધી.

જે દુકાન પર સૌથી લાંબી લાઈન હતી એ લાઈનમાં અમે પણ જોડાઈ ગયા ને ફટાફટ સમોસા લઈને ખાવા મંડી પડ્યા. સમોસા પછી કચોરી અને છેલ્લે એકેએક પુરીનો આસ્વાદ માણવામાં અમે મશગૂલ હતાં ને તથ્યએ તાવડા નીચેનું દૃશ્ય અમને બતાવ્યું.

દુકાનનાં પગથિયાની બરોબર પાસેથી ગટર ગંગા વહી રહી હતી અને એ ગંગાની ઉપર તાવડા અને થડાને ગોઠવવામાં આવ્યા હતા. દુકાનની અંદરથી વણાયેલી કાચી સામગ્રી તાવડામાં બરોબર તળાયા પછી થડામાં ગોઠવવામાં આવતી હતી અને ત્યાંથી જ ગ્રાહકોને નાનકડા પડીયામાં પીરસવામાં આવતી હતી.

ભૂખ બરોબર કકડીને લાગી હોવાને કારણે આ આખું દૃશ્ય અમે અજાણતામાં જ નજર અંદાજ કરી દીધું હતું ને ટેસથી ગટર પરની પુરી, સમોસા અને દાળની કચોરીને અમે પેટમાં પધરાવી દીધાં હતાં.

એની વે, ‘અબ પછતાયે ક્યા હોવત હે’ એમ માનીને ગળામાં અટવાયેલી પુરીને મેં પ્રયત્નપૂર્વક પેટમાં પધરાવી દીધી ને ત્યાર બાદ ગરમા ગરમ જલેબી ખાવા માટે લાઈનમાં ફરીથી જોડાઈ ગયો.

(ખાસ નોંધ: ઉત્તર પ્રદેશના કંદોઈઓ એ ખુલ્લી ગટરમાં રહેલા ગેસનો સદ્પયોગ કરતાં હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ કારણ કે, ત્યાં ચોરે ને ચૌટે (મથુરા અને વૃંદાવનમાં પણ) આવા દુર્લભ દૃશ્યો જોવા મળે છે.)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...