26 જાન્યુ, 2019

સાઈબેરીયન ક્રેનનો સાદ.

“ડેડી, જમણી બાજુ જુઓ. સાઈબેરીયન ક્રેન દેખાઈ રહ્યા છે.” ભરતપુર આગ્રા હાઈવે ઉપર હું એકચિત થઈને કાર ચલાવી રહ્યો હતો ત્યારે સાઈબેરીયન ક્રેનનું નામ માત્ર સાંભળીને મારું ધ્યાન ભંગ થઇ ગયું. કારને થોડી ધીમી પાડીને જમણી બાજુ નજર કરી તો કતારબંધ બગલાઓ આકાશમાં વિહાર કરતાં જોવા મળ્યા.

હા, આ એજ બગલાઓ હતા જેને નિહાળવા માટે અમે આણંદથી ઠેઠ ૯૦૦ કિલોમીટર દૂર આવેલા ભરતપુર સુધી પહોંચી ગયા હતા. એ દિવસે તો અમે અમારા કાર્યક્રમ મુજબ અમારો સમય તાજના સાંનિધ્યમાં વિતાવ્યો. પરંતુ, બીજા દિવસે લગભગ પોણા સાત વાગ્યે અમે અમારા મિત્ર દંપત્તિ સૂકેશ અને સલોની સાથે સાઈકલ લઈને “ઘાના કેવલાદેવ નેશનલ પાર્ક” અથવા “ભરતપુર પક્ષી અભયારણ્ય”માં વિહાર કરવા માટે તૈયાર હતા.

લગભગ ત્રણ કિલોમીટર સુધી અમને ઝાડી ઝાંખરાઓ જ જોવા મળ્યા. અલબત, એમાં પણ રખડપટ્ટી કરીને શોધખોળ આદરીએ તો ઘણાં દેશી પક્ષીઓની સાથોસાથ અજાણ્યા પક્ષીઓ જોવા મળી જાય. અમે પણ, કેટલાક ગીધ અને ઘુવડને જીવનમાં પહેલી વાર જોયા. ત્યાંથી આગળ વધતા પાર્કનું પ્રવેશદ્વાર આવ્યું. એક નીલગાયનું બચ્ચું આ પ્રવેશદ્વાર આગળ જ અમારું સ્વાગત કરવા માટે તૈયાર હતું.

આ પ્રવેશદ્વારને વટાવ્યા પછી તરત જ ગાઢ વનરાજી જોવા મળે છે. જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષોની હારમાળા જોવા મળે છે. વચ્ચે નાનકડો વિરામ લેતાં લેતાં અમે આગળ વધી રહ્યા હતા ને અચાનક દક્ષિણમાંથી પક્ષીઓનો કલરવ સાંભળવા મળ્યો. એકસાથે આટલો બધો કલશોર મચાવનારા પંખીઓ કેવા હશે અને ક્યાંથી આવ્યા હશે એનો વિચાર કરીએ એ પહેલાં તો અમે રસ્તાની ડાબી બાજુએ આવેલા કુત્રિમ તળાવને કિનારે આવી પહોંચ્યા હતા અને વિચારોમાંથી બહાર આવીને સામેનું દૃશ્ય જોતાવેંત મંત્રમુગ્ધ થઇ ગયા.

તળાવની અંદર આવેલા વૃક્ષો ઉપર અમને અનેક પ્રજાતિના બગલાઓ એમનાં બચ્ચાંઓ સાથે જોવા મળ્યા. નર અને માદા બંને પોતાના બચ્ચાંઓની શ્રુસેવામાં લાગી ગયા હતા. કેટલાક પક્ષીઓ આજુબાજુથી લાવેલા તણખલાંઓની મદદથી પોતાના માળાને મજબૂત બનાવી રહ્યા હતા તો વળી કેટલાક પક્ષીઓ બચ્ચાંઓને ખોરાક આપવામાં વ્યસ્ત હતા.

દેશ વિદેશથી માઇલોનું અંતર કાપીને આ પક્ષીઓ પોતાના બચ્ચાંઓના ઉછેર માટે અહીં આવીને શિયાળો પૂરતો ધામો નાંખે છે ને બચ્ચાંઓ થોડા મોટા થયા પછી પોતાને વતન પરત ચાલ્યા જાય છે.

પોતાનાં બાળકોને ઉછેરી રહેલા આ પક્ષીઓની ગતિવિધિઓ નિહાળવામાં અમે એવા તો મશગૂલ અને તલ્લીન થઇ ગયા હતા કે જો અમને ભૂખ ના લાગી હોત તો અમે પણ ત્યાં જ ધામો નાંખીને રહી ગયા હોત.


(નોંધ: અફઘાન શિકારીઓની ભૂખ અને લાલચને કારણે હવે “ધ ગ્રેટ સાઈબેરીયન ક્રેન” હવે જોવા મળતા નથી.)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...