26 જાન્યુ, 2019

રાજસ્થાન - બગલાઓનો દેશ.

“વાહ! કેવું સુંદર અને મજાનું સરોવર છે.” પાંચમા ધોરણમાં માત્ર નવ વર્ષની વયે પહેલી વાર મેં રાજસ્થાનના માઉન્ટ આબુમાં પગ મૂક્યો અને ડુંગરોની વચ્ચોવચ્ચ આવેલું નખ્ખી સરોવર જોઇને ભાવવિભોર થઇ ગયો. ત્યાર પછી અમે ક્રમશઃ ટેડ રોક, ગુરુ શિખર, અચલગઢ, દેલવાડાના દેરા, અદ્ધરદેવી, ગૌમુખ અને સન સેટ પોઈન્ટ જેવા રમણીય સ્થળોની મુલાકાત લીધી. અલબત, એ વેળાએ રાજસ્થાનમાં આ તો હજી પાશેરામાં પહેલી પૂણી જ છે એવી સમજણ નહોતી એટલે મેં માની લીધું કે રાજસ્થાન એટલે ડુંગરો, જંગલો અને સરોવરો ધરાવતો સુંદર અને રળિયામણો પ્રદેશ.

ત્યાર પછી બરોબર ૨૧ વર્ષની વયે મેં જયપુરમાં પગ મૂક્યો. ભવ્યાતિભવ્ય આમેરનો કિલ્લો અને અનન્ય કૃતિ શીશમહેલમાંથી બહાર નીકળવાનું મન થતું નહોતું. ત્યાંથી પાછા વળતી વેળાએ જલમહેલ જોયો ને શહેરની અંદર હવા મહેલ, જંતર મંતર અને સીટી પેલેસ રાજસ્થાન પ્રત્યેના મારા દૃષ્ટિકોણને બદલવામાં નિમિત બન્યા.

ત્યાંથી પાછા વળતા પ્રસિદ્ધ યાત્રાધામો અજમેર અને પુષ્કરની ઊડતી મુલાકાત લીધી ને ત્યાર પછી અમે પહોંચ્યા સરોવરોના શહેર ઉદયપુરમાં. પીછોલા લેક અને ફતેસાગર લેકની સુંદરતા ઉદયપુરની દર વર્ષે મુલાકાત લેવામાં નિમિત બનવાની હતી એની તો અમને ક્યાંથી જાણ હોય! પણ, ત્યાર પછી અમે સતત ઉદયપુરની મુલાકાત લેતા રહ્યા. ઈતિહાસને પોતાની અંદર સાચવીને બેઠેલો સીટી પેલેસ અમારું માનીતું સ્થળ બની રહ્યું.

હવેથી જો પ્રવાસ કરવો હોય તો રાજસ્થાન સિવાય બીજે ક્યાંય નજર ન દોડાવવી એમ નક્કી કરીને અમે લગભગ દર વર્ષે બે વર્ષે ત્યાંની મુલાકાત લેતા રહ્યા. જેમાં હલ્દીઘાટી, ચિતોડ ગઢ, કુંભલગઢ, બીકાનેર અને જોધપુરનો સમાવેશ થતો હતો. આ બધા જ સ્થળોએ રહેલા અદભૂત કિલ્લાઓ અને મહેલો નિહાળીને અમે માન્યું કે રાજસ્થાન એટલે રાજા રજવાડાઓનો દેશ, ઐતિહાસિક વારસો અને વિરાસત ધરાવતો ખમીરવંતો પ્રદેશ.

નજર પહોંચે ત્યાં સુધી રેતી જ રેતી ધરાવતા જેસલમેરના રણમાં સોનેરી પથ્થરોથી ચમકતો મહેલ જોઇને અમે આભા જ બની ગયા. જેસલમેરના રણમાં ગાળેલી એક અનોખી સાંજ અમારા પ્રવાસના સંસ્મરણોમાં સીમાચિન્હરૂપ બની ગઈ. આથમતા સૂરજના સાંનિધ્યમાં અમે રેતીના ડુંગરો પરથી આળોટતા રહ્યા ને કેમ્પમાં પાછા વળીને રાજસ્થાની લોકગીત સંગીત સાથે એકરૂપ થઇ ગયા. હવે અમે માન્યું કે, રાજસ્થાન એટલે અફાટ રેતી ધરાવતો રણપ્રદેશ અને લોકગીત સંગીતના આરોહ અવરોહથી થરકતો ધબકતો રોમાંચક પ્રદેશ.

જીવનનાં ચોથા દાયકામાં જયારે ફરી એક વાર મેં રાજસ્થાનમાં પગ મૂક્યો ત્યારે મને લાગ્યું કે રાજસ્થાન એટલે બગલાઓનો દેશ. રાજસ્થાનની સરહદ ઉપર આવેલા ભરતપુર પક્ષી અભયારણ્યમાં અમને એવો અલૌકિક અનુભવ થયો કે જે અમારા રાજસ્થાનના અગાઉના બધા જ અનુભવોમાં શિરમોર અને ચઢિયાતો બની રહ્યો.

માત્ર ને માત્ર બચ્ચાંઓના ઉછેર માટે દૂર દેશાવરથી અહીં આવતા બગલાઓ તણખલાંઓથી સજાવેલા માળામાં રહેલા પોતાના બચ્ચાંઓને ખોરાક આપતી વેળાએ જાણે કહી રહ્યા હતા કે રાજસ્થાનમાં રણ છે, સરોવરો છે, ડુંગરો છે, જંગલો છે, મહેલો છે, કિલ્લાઓ છે, ગીતો છે, સંગીત છે ને વિશાળ હૃદય ધરાવતા લોકો છે એટલે જ રાજસ્થાન આપણો દેશ છે.

(ફોટો સૌજન્ય: ગુગલ)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...