23 એપ્રિલ, 2019

કામણગારું કોંકણ.

“જો દીકરા સામે જો. કેવા સુંદર અને રળિયામણા ગામડાંઓ છે. દરિયાને કિનારે વસેલા આ ગામડાંઓને જોઇને વેનીસની યાદ આવી જાય છે.” કોંકણ પ્રવાસના ચોથા દિવસે અમે અરબી સમુદ્રની સમાંતર ડ્રાઈવ કરી રહ્યા હતા ત્યારે મેં દીકરાની સ્મરણશક્તિને ટકોરો મારી જોયો. 

“સાચી વાત છે, ડેડી. તમે ઈટાલીમાં આવેલા નહેરોના નગરની વાત તો નથી કરી રહ્યા ને ! પણ, મને તો વેનીસ અને આ વિસ્તારમાં ઘણો ફેર દેખાઈ રહ્યો છે.” સુંદર દૃશ્યો જોઇને પ્રભાવિત થયેલા દીકરાની સ્મરણશક્તિની સાથે સાથે નિરીક્ષણ શક્તિ પણ ધાર બતાવી રહી હતી. 

“વેનીસ એ નગર છે. જયારે આપણે જે જોઈ રહ્યા છીએ એ તો ગ્રામ્ય વિસ્તાર છે. ત્યાં રસ્તાઓ નથી, જયારે અહીં સર્પાકાર વળાંકોવાળા મજાના રસ્તાઓ છે. બીજી વાત, વેનીસ નહેરોને કિનારે વસેલું છે. જયારે આ ગ્રામ્ય વિસ્તાર દરિયાને કિનારે આવેલો છે અને સૌથી નોંધપાત્ર વાત તો એ છે કે અહીં દરિયાની લગોલગ આભને આલિંગન આપતા પહાડો અને બાજુમાં ઘટાટોપ જંગલ આવેલું છે. દરિયો, ડુંગર અને જંગલોનો આવો ત્રિવેણી સંગમ બીજે ક્યાં જોવા મળે!” એપીક, ડિસ્કવરી અને ટ્રાવેલ એક્સ પી જેવી ચેનલો જોઇ જોઇને ઉછરી રહેલો દીકરો આજે એકદમ ખીલી ઉઠ્યો હતો. 

વહેલી સવારે આઠ વાગ્યે જ અમે પ્રવાસનો આરંભ કરી દીધો હતો. દાપોલી, હરણાઈ અને આંજાર્લે જેવી અદભૂત જગ્યાઓની મહેમાનગતિ માણીને આજે અમે મુરૂડ જંજીરા ભણી પ્રયાણ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં આવેલો આ આખો પટ્ટો કોંકણ તરીકે ઓળખાય છે. રસ્તામાં કેળશી, દીઘે, બાણકોટ અને વેળાસ જેવા નાના પણ રમણીય ગામડાંઓ નિહાળીને આંખોને ઠંડક વળતી હતી. 
રસ્તાની ડાબી બાજુ દરિયો હતો અને જમણી બાજુએ પહાડો તથા ખીણ પ્રદેશમાં ખીલેલું જંગલ હતું. ગામના રસ્તાઓ સાંકડા હતા પણ સ્વચ્છ, સુંદર અને સર્પાકાર હોવાથી ડ્રાઈવિંગનો આનંદ અવિસ્મરણીય બની રહ્યો હતો. 

દરિયાની ખાડીની બંને કિનારે રળિયામણા ગામડાંઓ વસેલા હતા. ગામઠી શૈલીમાં બનેલા નાનકડા ઘરો એકબીજાની લગોલગ હતા અને મોટે ભાગે દરેક ગામમાં આધુનિક બાંધકામ ધરાવતી મસ્જીદો મોજૂદ હતી. 

એક ગામથી બીજે ગામ જવા માટે ખાડી પસાર કર્યા વિના કોઈ આરોઓવારો નહોતો. કેટલાક ગામોની વચ્ચે પુલ હતો તો વળી કેટલીક જગ્યાઓએ “રો રો ફેરી - જેમાં કાર, બસ અને ટ્રકને પણ વહન કરવામાં આવતા હતા.) નો ઉપયોગ કરવો પડતો હતો. આવી બે જગ્યાઓએ અમે અમારી કારને બોટમાં ગોઠવીને ખાડીને પસાર કરી હતી. 

છેલ્લી વાર કાર સહિત બોટમાં બેસીને ખાડીને પસાર કરીને જયારે અમે જંજીરા પહોંચ્યા ત્યારે ભોજનનો સમય થઇ ચૂક્યો હતો. પણ, કામણગારા કોંકણનો જાદુ અમારા ઉપર એવો તો છવાઈ ચૂક્યો હતો કે હજી પણ અમારી ભૂખ ઉઘડી નહોતી. 







ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...