24 એપ્રિલ, 2019

કોંકણનાં કોકમ અને કોપરાં.

પ્રવાસના પહેલા દિવસે અમે સવારે છ વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા ને મુંબઈ બાયપાસ કરીને જયારે અમે નક્કી કરેલા પાલી નામનાં ગામે પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ચૂક્યા હતા. આમ છતાં, બીજા દિવસે પણ અમે સવારે છ વાગ્યાથી ડ્રાઈવની શરૂઆત કરી દીધી કારણ, અમારી મંઝિલ સુધી પહોંચવામાં હજી પાંચેક કલાક લાગે એમ હતા. 

લોણારી ગામથી છેલ્લા પાંસઠ કિલોમીટરનું અંતર અમારે માટે આહલાદાયક અનુભવ બની રહ્યો કારણ, રસ્તો સર્પાકાર હતો અને ચઢાવ ઉતરાણવાળો પણ હતો. પશ્ચિમ ઘાટના ઉતુંગ શિખરો અને ઘટાટોપ જગલને કારણે આવા સુંદર રસ્તાનો ક્યારેય અંત ન આવે એવું અમે મનોમન ચાહતા હતા. 

દાપોલી નજીક આવેલા આંજાર્લે નામના ગામે અમે પહોંચ્યા ત્યારે લગભગ બાર વાગવા આવ્યા હતા. ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર દરિયાને બિલકુલ કાંઠે આવેલા ‘વ્હીસ્લીંગ વેવ્સ’ નામના રિસોર્ટમાં અમે પહોંચ્યા ત્યારે શેકાઈ રહેલી માછલીની સુગંધને કારણે અમારી ભૂખ બરોબર ઉઘડી ચૂકી હતી. 

“સર, જમવામાં ફીશ થાળી છે. આપને ફાવશે?” વેઈટરે અમારી પસંદગી પૂછી જોઈ. 

“ફીશ થાળી?” ડીશને બદલે થાળી શબ્દ સાંભળ્યો એટલે અમને ગુજરાતી થાળી યાદ આવી ગઈ. 

“હા, થાળી મળશે. એક થાળીના રૂ. ૩૦૦ થશે.” વેઈટરે સ્પષ્ટતા કરી. 

“કશો વાંધો નહિ. બે થાળી આવવા દો.” કિંમત અમને વધારે લાગી છતાં ઓર્ડર આપી દીધો. 

અડધા કલાક પછી અમે ફ્રેશ થઈને ભોજનખંડમાં પ્રવેશ્યા ત્યારે જમવાની થાળી તૈયાર હતી. એ થાળીને જોઇને અમે ખુશ ખુશ થઇ ગયા, કારણ કે. લાંબા સમય પછી આજે અમને તાજી અને સ્વાદિષ્ટ માછલી ખાવા મળવાની હતી. 

થાળીમાં શેકેલી સુરમઈ માછલીના બે મોટા ટુકડા હતા અને એક મધ્યમ કદના વાટકામાં જિંગા અને માછલીની ‘કરી’ હતી. સાથે સાથે સોન કઢી, પૌઆના પાપડ, ચોખાની રોટલી અને ભાત પણ હતા. કોંકણ સ્ટાઈલમાં શેકાયેલી માછલી પૂરી થતાં વાર ન લાગી. 

“ડેડી, ઓસમ ફૂડ છે.” ચોખાની રોટલીને કરીમાં ડુબાડીને બટકું ભરતાં વેંત તથ્યથી વખાણ કર્યા વિના ન રહેવાયું. 

“હા હોં, સ્વાદ પરથી તો કોકમ, કોપરાં અને કઢી પત્તાનો ભરપૂર ઉપયોગ કર્યો હોય એમ લાગી રહ્યું છે.” અમારા માસ્ટર શેફ શ્રીમતિજીએ પણ પોતાના જ્ઞાનની અમારી સાથે વહેચણી કરી. 

બે થાળીને ધીમે ધીમે લહેજતથી પૂરી કરી રહ્યા ત્યાં સુધીમાં તો કોકમ, કોપરાં અને કઢી પત્તાનો સ્વાદ એવો તો દાઢે વળગી ચૂક્યો હતો કે હવે પછી બાકી રહેલા ચારે ચાર દિવસ બપોરના ભોજનમાં અમે કોંકણ થાળી સિવાય બીજું કશું જ નહિ ખાઈએ એમ સર્વાનુમતે નક્કી કરી લીધું. 

(ખાસ નોંધ: કોંકણમાં આપણે ત્યાં મળે છે એવી ડીશ કે હાંડી મળતા નથી. પરંતુ, માછલીનાં કદ અને પ્રકારને આધારે આખી થાળી મળે છે જેની કિંમત પણ અલગ અલગ હોય છે.)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...