25 એપ્રિલ, 2019

ભીની રેતમાં રમતું માછલી બજાર.

“અહીંથી ડાબી બાજુની ગલીમાં વળી જાઓ. બે મિનિટમાં અમારા ખ્યાતનામ માછલી બજારમાં પહોંચી જશો.” સવારના લગભગ નવ વાગ્યે, દાપોલી નજીક આવેલા હરણાઈ નામના નાનકડા ગામમાં એક અજાણ્યા ગ્રામજને અમને ટૂંકો ને ટચ રસ્તો બતાવ્યો.

ગલી વટાવીને અમે આગળ વધ્યા તો સામે જ અમને અરબી સમુદ્રનાં દર્શન થયા. ભીની રેતીમાં થોડું આગળ વધીને અમે કારને પાર્ક કરીને આગળ વધ્યા તો કરોડોનો કારોબાર ધરાવતા હરણાઈના ફરતા ગાળામાં ખૂબ જાણીતા રીટેલ અને હોલસેલ એમ બંને માછલી બજારનાં દર્શન થયા.

જમણી બાજુ મોટી દુકાનો હતી અને એની આગળ તોતીંગ વાતાનુકુલિત ટ્રકો પોતાનો વારો ક્યારે આવે એની રાહ જોતી ઉભી હતી. બીચની બરોબર મધ્યમાં માછલી વેચનારી બહેનો પોતાનો સરંજામ સુવ્યવસ્થિત ઢબે ગોઠવીને બેઠી હતી.

એક બાજુ, પાંપલેટ, સુરમઈ, બાંગડા જેવી કેટલીક જાણીતી તો ઘણી બધી અજાણી જાતની માછલીઓ, વિવિધ કદ અને આકારના જિંગા તથા કરચલાઓને વેચાણ માટે હારબંધ રીતે ગોઠવવામાં આવ્યા હતા તો બીજી બાજુ, નાની મોટી સૂકી માછલીઓ તથા જિંગાનો વેપાર ચાલી રહ્યો હતો. જો ઉપરથી ડ્રોન દ્વારા ફોટો લેવામાં આવે તો આખો કાટખૂણો એવો તો સુંદર ને ભાતીગળ રચાયો હતો કે જાણે ભીની રેતીમાં રંગોળી ન ઉપસી આવી હોય ! વેપાર ધમધમી રહ્યો હતો પરંતુ, ઘૂઘવતા સમુદ્રનાં મોજાનાં ઘુઘવાટા સિવાય વાતાવરણ શાંત અને નીરવ હતું.

માછલી બજારને નીરખવામાં ઘણો સમય વિતાવ્યા પછી અમે ડાબી બાજુએ આવેલા સમુદ્ર ભણી નજર માંડી તો સામેનું દૃશ્ય જોઇને આભા જ થઇ ગયા. કારણ, ત્યાં વિલંબિત તાલમાં અને ચોક્કસ લયમાં જીવન ધબકતું હતું. સમુદ્રમાં થોડે જ દૂર કતારબંધ ઉભેલા નાના નાના હોડકાઓ પવનની સાથે સાથે ઝોલાં ખાઈ રહ્યા હતાં. કિનારાના પાણી ઉપર માણસોની ચહલપહલ હતી એમાં કંઈ નવાઈ નહોતી પણ, આશ્ચર્યની વાત તો એ હતી કે એ પાણીમાં બળદગાડાઓની ઘૂઘરીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.

“અમારું ગામ હરણાઈ બંદર તરીકે ખ્યાતનામ છે પણ, આ બંદર ઉપર કોઈ ડોક જ નથી કે જ્યાં સ્પીડબોટ લાવીને માછલાંઓને સીધે સીધા વાહનોમાં ગોઠવી શકાય. આથી આ નાના હોડકાઓ જતી વેળાએ સ્પીડ બોટના નાવિકો માટે સીધું સામાન, બરફ, ડીઝલ તથા અન્ય વસ્તુઓ લઇ જાય છે અને પરત આવતી વેળાએ માછલાંઓ ભરીને આવે છે. વળી, કિનારાની બિલકુલ નજીક આવ્યા પછી એ હોડકાઓને દુકાનમાંથી ખરીદેલો સામાન પૂરો પાડવાનું તથા માછલાં ભરી લાવવાનું કામ આ બળદગાડાઓ દ્વારા પાર પાડવામાં આવે છે.”
જો ત્યાંના એક સ્થાનિક માછીમારે આ વાત અમને સમજાવી ના હોત તો સ્પીડબોટ, હોડકાઓ, બળદગાડા અને બજાર વચ્ચેની અજોડ અને અદભૂત કડીઓ અમારા માટે કદાચ કાયમનું રહસ્ય બની રહેત.

આજે હરણાઈના માછલી બજારમાં વિલંબિત તાલમાં પણ ચોક્કસ લયમાં ગ્રામ્ય જીવન ધબકી રહ્યું હતું અને એ જીવનમાં, એ વાતાવરણમાં સમુદ્રના મોજાનાં ઘુઘવાટા અને બળદગાડાની ઘૂઘરીઓ સિવાય કોઈ ઘોંઘાટ કે કોઈ કોલાહલ વરતાતો નહોતો.

બરોબર બે કલાક પછી અમે જાણે કશુંક ગુમાવીને પાછા ન વળતા હોઈએ એમ ભારે અને ભગ્ન હૃદયે પાછા વળ્યા. પરંતુ, એ દિ ને આજની ઘડી સુધી આદિલ મન્સુરીની અદભૂત ગઝલની પંક્તિઓ નજીવા ફેરફાર સાથે;

“ભીની રેતમાં રમતું 
હરણાઈનું માછલી બજાર મળે ના મળે. 
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે.”

મારા મન અને હૃદયનો કેડો નથી મેલતી.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...